Sun Oct 11 2026

Logo

ભાજપમાં ભંગાણના સંકેત? સંજય રાઉતે કર્યો ચોંકાવનારો દાવોઃ ચાર મોટા નેતા અલગ થવાની તૈયારીમાં...

2026-10-11 19:49:19
Author: Mumbai Samachar Team
ભાજપમાં ભંગાણના સંકેત? સંજય રાઉતે કર્યો ચોંકાવનારો દાવોઃ ચાર મોટા નેતા અલગ થવાની તૈયારીમાં...

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આંતરિક અસંતોષ વધ્યો હોવાનો દાવો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના નેતા સંજય રાઉતે કર્યો છે. ભાજપના ચાર મોટા નેતાઓ અલગ નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનો દાવો કરતાં તેમણે આગામી પાંચથી છ મહિનામાં દેશમાં ભાજપની સરકાર નહીં રહે અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે નહીં રહે તેવી આગાહી પણ કરી છે. રાઉતના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ દાવાઓ અંગે ભાજપના નેતાઓની કોઈ પ્રતિક્રિયા હજી સુધી સામે આવી નથી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કથિત મનસ્વી વહીવટ અને તેમના રાજીનામાની માગને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઈન્ડિ ગઠબંધન અને કોકરોચ જનતા પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. આ રાજકીય પરિસ્થિતિ વચ્ચે રાઉતે દાવો કર્યો કે અસંતોષ માત્ર વિરોધ પક્ષોમાં જ નહીં, પરંતુ ભાજપમાં પણ જોવા મળી રહ્યો છે.

રાઉતે જણાવ્યું હતું કે ભાજપમાં આંતરિક ખેંચતાણ વધી રહી છે અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહના નેતૃત્વથી કેટલાક નેતાઓ દૂર થઈ શકે છે. તેમણે ભૂતકાળમાં કટોકટી પહેલાં અને પછી કોંગ્રેસમાંથી અનેક નેતાઓ અલગ થયા હતા તે ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભાજપમાં પણ અત્યારે આવી જ સ્થિતિ નિર્માણ થઈ રહી છે. જોકે, અલગ નિર્ણય લેવાની તૈયારીમાં હોવાનો દાવો કરાયેલા ચાર નેતાઓનાં નામ તેમણે આપ્યાં નથી.

રાઉતે વધુમાં આરોપ લગાવ્યો કે મોદી અને શાહ સત્તા જાળવી રાખવા માટે સુરક્ષા દળોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર, આસામ અને છત્તીસગઢનાં સશસ્ત્ર દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યાં હોવા છતાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને હજારો લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

મુંબઈમાં થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં રાઉતે કહ્યું કે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીને પણ પોલીસે અટકાયતમાં લીધા હતા. તેમણે દાવો કર્યો કે આદિત્ય ઠાકરે સાથે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધરણાં કરીને તુષાર ગાંધીને મુક્ત કરાવ્યા હતા. રાઉતે આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પોલીસ પાસે માફીની માગ પણ કરી હતી.