ચોમાસામાં જળબંબાકારથી મળશે છુટકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષોથી અટવાઈ પડેલા માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ બહુ જલદી શરૂ થવાની શકયતા છે. પમ્પિંગ સ્ટેશન માટેની જગ્યાને લઈ ચાલી રહેલા વિવાદનું નિરાકરણ આવી ગયું છે. માહુલ પમ્પિંગ સ્ટેશન શરૂ થયા બાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા દક્ષિણ મુંબઈના સાયન, વડાલા, કિંગ સર્કલ, ગાંધી માર્કેટ સહિત પૂર્વ ઉપનગરના ચેમ્બુરમાં વર્ષોથી ચોમાસામાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે.
મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ દરમ્યાન પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય છે. શહેરની વારંવાર નિર્માણ થનારી પૂરજનક પરિસ્થિતિને દૂર કરવા માટે ચિતળે સમિતિની ભલામણ મુજબ બ્રિમસ્ટોવર્ડ યોજના હેઠળ મુંબઈમાં વરસાદી પાણીનો દરિયામાં નિકાલ કરવા માટે આઠ જગ્યાએ સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન ઊભા કરવાનો પ્રોજેક્ટ પાલિકાએ હાથમાં લીધો હતો.
આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી હાજી અલી, ઈર્લા, લવગ્રોવ, ક્લિવલેન્ડ, બ્રિટાનિયા અને ગઝદરબંધ આ છ પમ્પિંગ સ્ટેશન શરૂ થઈ ગયાં છે પણ અંધેરીમાં મોગરા નાળા પરના પમ્પિંગ સ્ટેશન અને માહુલ પમ્પિંગ સ્ટેશનનું કામ જગ્યાને અભાવે અટવાઈ પડયું હતું. જોકે હવે બંને પમ્પિંગ સ્ટેશન માટેની જગ્યાને લઈને રહેલા અવરોધો દૂર થયા છે. તેથી બહુ જલદી કામ શરૂ કરીને તેને આગામી ત્રણેક વર્ષથી અંદર શરૂ કરી દેવાની પ્રશાસનની યોજના છે.
માહુલ પમ્પિંગ સ્ટેશન માટે પસંદ કરવામાં આવેલી જગ્યા મીઠાગર કમિશનરની માલિકીની હતી. જમીન હસ્તાંતરણને લઈને તેમની તરફથી કામ આગળ વધતું ન હોવાનું કહેવાય છે. જોકે તાજેતરમાં તેમની તરફથી મંજૂરી મળી ગઈ છે. એ સાથે જ ત્યાંની અમુક જગ્યા ખાનગી માલિકીની છે, તેને પણ વળતર આપવું પડવાનું છે. તે તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને જગ્યાનો કબજો લઈને કામ શરૂ કરવામાં આવવાનું છે.
પ્રોજેક્ટમાં જમીનને લઈને થયેલા વિલંબને કારણે પ્રોજેક્ટના ખર્ચામાં પણ વધારો થયો છે. પ્રોજેક્ટ માટે ૨૦૨૧માં ટેન્ડર મગાવ્યા હતા ત્યારે પ્રોજેક્ટની કિંમત ૪૦૩ કરોડ રૂપિયા હતી પણ જગ્યાના ચાલી રહેલા વિવાદને પગલે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. એ બાદ ૨૦૨૩માં ફરી ટેન્ડર બહાર પાડવામાં આવતા ખર્ચ ૬૦૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
નોંધનીય છે કે પાલિકાએ દર વર્ષે ચોમાસામાં મુંબઈને જળબંબાકાર થતી અટકાવવા માટે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પૂરમુક્ત મુંબઈ માટે ત્રણ પેકેજમાં શહેરની ડ્રેનેજ, પમ્પિંગ અને વિશાળ ફ્લડ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના કામ કરવામાં આવવાના છે, જેમાં નાના કદના અને ભરાયેલી ગટરોથી લઈને અપૂરતી પમ્પિંગ ક્ષમતા અને શહેરની સ્ટોર્મ-વોટર સિસ્ટમ (વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈન)ને સુધારવામાં આવશે.
મુખ્ય ઉદ્દેશ્ય ડ્રેનેજ લાઈનને કલાક દીઠ પંચાવન મિલીમીટરથી વધુ વરસાદનો સામનો કરવા માટે અપગ્રેડ કરવાનો છે. એ સાથે જ જ્યારે માહુલ અને મોગરા સહિતના પૂર-સંભવિત વિસ્તારોમાં પમ્પિંગ ક્ષમતાનો વિસ્તાર કરવાનો છે.