Mon Oct 12 2026

Logo

ભૂકંપનાં અઢી દાયકા બાદ પણ જમીનના માલિકી હકથી વંચિત; ઓળખના પુરાવા અને શિક્ષણના અભાવે અસ્તિત્વની લડાઈ

2026-10-12 11:37:00
Author: Mumbai Samachar Team
ભૂકંપનાં અઢી દાયકા બાદ પણ જમીનના માલિકી હકથી વંચિત; ઓળખના પુરાવા અને શિક્ષણના અભાવે અસ્તિત્વની લડાઈ

ભુજ: ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના નારા સાથે કચ્છનું રણ, દરિયો, ધોરડોનો રણોત્સવ અને કચ્છી હસ્તકલા આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકી રહ્યા છે. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ કચ્છના વૈભવને માણવા ઉમટી પડે છે, પરંતુ આ ઝગમગાટ પાછળ એક એવી અદ્રશ્ય દુનિયા પણ ધબકે છે જે વિકાસ અને પ્રવાસનના નકશા પર ક્યાંય દેખાતી નથી. કચ્છના વાગડ પંથકમાં વસવાટ કરતો પારકરા કોળી સમુદાય આજે પણ કારમી ગરીબી, અંધશ્રદ્ધા, શિક્ષણના અભાવ અને મૂળભૂત નાગરિક અધિકારોની વંચિતતા વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો છે. એક સમયે આ સમુદાયના લોકો ગામથી દૂર જંગલ વિસ્તારોમાં વિચરતું જીવન જીવતા હતા. પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો રહેણાંકની જગ્યા છોડી દેવાની જૂની માન્યતાને કારણે તેમનો કાયમી સ્થિર વસવાટ થઈ શક્યો નહીં. 

આ અસ્થિરતાને પગલે તેમનાં પાકાં મકાનો ન બન્યાં કે નાગરિક તરીકેની ઓળખ સાબિત કરતા જરૂરી સરકારી કાગળો પણ તૈયાર ન થયા. રાપર સ્થિત ‘ગ્રામ સ્વરાજ સંઘ’ના સ્થાપક દિનેશભાઈ સંઘવી જણાવે છે કે, “પારકરા કોળી સમુદાયમાં એવી દ્રઢ માન્યતા ઘર કરી ગઈ હતી કે સરકારી કચેરીમાં માત્ર ગુનો કે ખરાબ કામ કરનારે જ જવું પડે. આ અજ્ઞાનતા અને ડરના કારણે તેઓ કચેરીઓનાં પગથિયાં ચડવાથી દૂર રહ્યા.” પરિણામે ૨૦૦૧ના ભૂકંપ પહેલાં સુધી આ સમુદાયના મોટાભાગના લોકો પાસે મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડ, જન્મ પ્રમાણપત્ર જેવા પ્રાથમિક પુરાવા પણ નહોતા.

વાગડના પારકરા કોળી પરિવારો આજે પણ અત્યંત મર્યાદિત સંસાધનો વચ્ચે જીવે છે. મોટાભાગના પરિવારો ભાગવી ખેતી, ખેતમજૂરી, કોલસા પાડવા કે જંગલી પેદાશો એકઠી કરી વેચવા પર નિર્ભર છે. ભચાઉ તાલુકાના જનાણ ગામમાં જંગલમાંથી શતાવરી એકઠી કરી લાવતા પરિવારોની આપવીતી આર્થિક વિષમતાની સાક્ષી પૂરે છે. આખો દિવસ જંગલમાં રખડીને શતાવરી ભેગી કરવી, તેને સાફ કરી, સૂકવીને છેક રાપર વેચવા જવું, આ ચાર-પાંચ દિવસની કાળી મજૂરી બાદ માંડ પાંચસો-છસો રૂપિયા મળે છે. આકાશી ખેતી પર નિર્ભર આ લોકો પાસે આકરી મહેનત સિવાય ભૂખ સંતોષવાનો અન્ય કોઈ વિકલ્પ બચતો નથી.

વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ચાલેલા વ્યાપક પુનર્વસન અભિયાન હેઠળ સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આ સમુદાય માટે માટીના ભૂંગા કે કાચા છાપરાંને બદલે એક રૂમ અને ઓસરીવાળાં પાકાં મકાનો બન્યાં ખરાં, પરંતુ જે જમીન પર આ મકાનો ઊભાં થયાં તેનો કાયમી માલિકી હક આજે અઢી દાયકાથી વધુ સમય વીતી જવા છતાં પરિવારોને મળ્યો નથી. અત્યાર સુધી શાંત રહેલા આ પરિવારોમાં હવે ધીમે ધીમે ભવિષ્યની અનિશ્ચિતતા અને ‘જો કાલે આ જગ્યા ખાલી કરવી પડશે તો ક્યાં જઈશું?’ એવો ગંભીર ભય ઘર કરી રહ્યો છે.

રાપર તાલુકાના મુવાણા ગામની ટેકરી પર કાચાં છાપરાંમાં રહેતા પરિવારોની મુલાકાત લેતાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવે છે. આ વસાહતના આગેવાન રામજીભાઈ કબૂલે છે કે તેમની વસાહતમાંથી એક પણ બાળક શાળાએ જતું નથી. આર્થિક વિટંબણાઓને કારણે કુટુંબનું પેટ ભરવા માટે નાની ઉંમરે જ બાળકોને ખેતમજૂરી કે અન્ય મજૂરીકામમાં જોતરી દેવામાં આવે છે. સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ નહિવત્ છે; સ્નાતક થયેલી વ્યક્તિ શોધવી દુર્લભ છે અને દીકરીઓ તો પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરી શકતી નથી.

પારકરા કોળી સમુદાયની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ માત્ર અધિકારોથી વંચિત નથી, પરંતુ પોતાના હકો પ્રત્યે સંપૂર્ણપણે અજાણ પણ છે. સરકારી કલ્યાણકારી યોજનાઓ કાગળ પર ઉપલબ્ધ હોવા છતાં, ઓળખના જરૂરી પુરાવા અને કાગળિયાંના અભાવે યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચતો નથી.

જેમ રાજ્ય સરકારે આદિમજૂથો માટે વિશેષ કલ્યાણકારી નીતિઓ અમલી બનાવી છે, તેવા જ સઘન અને સંવેદનશીલ અભિગમની જરૂર આ સમુદાય માટે પણ વર્તાઈ રહી છે. આ સમુદાય જ્યાં વર્ષોથી વસે છે ત્યાં તેમને જમીનનો કાયમી માલિકી હક આપવામાં આવે અથવા વૈકલ્પિક પ્લોટ ફાળવીને પાકા વસવાટની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે સમયની માંગ છે. સાથોસાથ, વિશેષ ઝુંબેશ ચલાવીને સમયમર્યાદામાં ઓળખના દસ્તાવેજો બનાવી આપવા અને બાળકો માટે શિક્ષણની કડક અમલવારી કરાવવી અનિવાર્ય છે. વિકાસના છેવાડે ધકેલાઈ ગયેલા આ સમુદાયને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવા સરકાર અને નાગરિક સમાજે એક થઈને પગલાં ભરવાં પડશે.

ઉત્સવ વૈદ્ય