નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરવાની જાહેરાત બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી નેતાઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત પાસે મુલાકાતનો સમય માગ્યો હતો. આજે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલા સીજેઆઈ સૂર્યકાંતે મીડિયા સમક્ષ આવીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, તેમને મુલાકાત માટેનો પત્ર મળ્યો હતો અને ગઈકાલે રાત્રે જ તેમણે લેખિત જવાબ આપી દીધો હતો કે તેઓ શા માટે મળી શકે તેમ નથી!
સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, અદાલતના દરવાજા દરેક માટે ખુલ્લા છે
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક નાગરિક માટે ખુલ્લા છે. કોઈ પણ સામાન્ય નાગરિક કે ચૂંટાયેલી સંસ્થાના સભ્યની અરજીનું સ્વાગત છે. દરેક ભારતીય નાગરિકને અદાલતના દ્વાર ખટખટાવવાનો અધિકાર છે. અમે તેમની ચિંતાઓને સાંભળીશું અને કાયદા મુજબ જે યોગ્ય હશે તે પગલાં લઈશું. જોકે, હિતોના સંઘર્ષ અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વહીવટી અને ન્યાયિક પાસાઓને ધ્યાનમાં રાખીને તેમણે અને તેમના સીનિયર ન્યાયિક સહયોગીઓએ આ નિર્ણય લીધો છે, જેથી ભવિષ્યમાં કોઈ ન્યાયિક વિવાદ ન સર્જાય.
#WATCH | Delhi | On INDIA Bloc's protest march and their demand to meet him, Chief Justice of India (CJI) Justice Surya Kant says, "I received a letter yesterday regarding a meeting request, and I responded to it last night, outlining the reasons why I will be unable to meet..." He also says, "The Supreme Court's doors are open to everyone. Any petition from any common citizen or member of an elected body is welcome. Every Indian citizen has the right to approach the court, and we will hear their concerns and grant whatever is due under the law."
— ANI (@ANI) October 12, 2026
'વોટ ચોરી' અને ઇવીએમ મુદ્દે મુલાકાતનો ઇનકાર
અગાઉ મધ્યરાત્રિએ સામે આવેલા અહેવાલો મુજબ, સીજેઆઈ સૂર્યકાંતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવાનો ઈનકાર કર્યો હતો. સીજેઆઈએ જણાવ્યું હતું કે, 'વોટ ચોરી' અને ચૂંટણી પ્રક્રિયાને લગતા જે મુદ્દાઓ પર વિપક્ષ વાત કરવા માંગે છે તે મામલાઓ પહેલાથી જ સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન છે, તેથી વહીવટી સ્તરે તેમની સાથે મુલાકાત થઈ શકે નહીં. શું આ નિવેદન બાદ હવે વિપક્ષ દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવશે? તે હવે જોવાનું રહેશે.