Mon Oct 12 2026

Logo

નાના પાટેકરની માતાની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેત્રી મધુ કાંબીકરનું નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ...

2026-10-12 17:59:52
Author: Mumbai Samachar Team
નાના પાટેકરની માતાની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેત્રી મધુ કાંબીકરનું નિધન, પુણેમાં લીધા અંતિમ શ્વાસ...

મુંબઈ: મરાઠી સિનેમાના જાણીતા અભિનેત્રી અને લાવણી નૃત્યાંગના મધુ કાંબીકરનું 73 વર્ષની વયે નિધન થયું છે. 12 ઑક્ટોબર, 2026ના રોજ પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં. તેમના નિધનના સમાચારથી મરાઠી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. 

મધુ કાંબીકર મરાઠી ફિલ્મો ઉપરાંત હિન્દી સિનેમામાં પણ પોતાના અભિનય માટે જાણીતા હતાં. અનેક ફિલ્મોમાં તેમણે માતા અને સાસુની ભૂમિકાઓ ભજવી હતી. ખાસ કરીને નાના પાટેકરની માતાની ભૂમિકામાં તેમને દર્શકોએ ખૂબ પસંદ કર્યાં હતાં. વાસ્તવિક જીવનમાં મધુ કાંબીકર નાના પાટેકર કરતાં બે વર્ષ નાનાં હતાં, પરંતુ પડદા પર તેમણે તેમની માતાની ભૂમિકાને યાદગાર બનાવી હતી. બંનેએ ‘હમ દોનોં’ અને ‘યશવંત’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.  

અભિનય ઉપરાંત મધુ કાંબીકર પરંપરાગત મહારાષ્ટ્રીયન લોકનૃત્ય લાવણી માટે પણ જાણીતા હતાં. મરાઠી ફિલ્મો, રંગભૂમિ, ટેલિવિઝન અને લોકકલાના ક્ષેત્રમાં તેમણે ચાર દાયકાથી વધુ સમય સુધી યોગદાન આપ્યું હતું. ‘શોલા ઔર શબનમ’માં તેમણે ગોવિંદા અને દિવ્યા ભારતી સાથે પણ કામ કર્યું હતું. મરાઠી સિનેમામાં માતા અને સાસુની ભૂમિકાઓ ઉપરાંત તેમની નૃત્યકળાએ પણ તેમને વિશેષ ઓળખ અપાવી હતી. 

મધુ કાંબીકરના જીવનમાં 27 નવેમ્બર, 2016નો દિવસ મુશ્કેલ સાબિત થયો હતો. મુંબઈના માટુંગા સ્થિત યશવંત નાટ્ય મંદિર ખાતે ‘લાવણ્યા મ્યુઝિક’ કાર્યક્રમમાં તેઓ લગભગ 12 વર્ષના વિરામ બાદ ફરી મંચ પર નૃત્ય કરવા પહોંચ્યાં હતાં. અહેવાલો અનુસાર, કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત બગડી હતી. 


અસ્વસ્થતા છતાં તેમણે પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું, પરંતુ થોડા સમય બાદ તેમને લકવાનો હુમલો આવ્યો. તેમના જમણા હાથમાં સંવેદના ઓછી થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેઓ અભિનય અને જાહેર કાર્યક્રમોથી દૂર થઈ ગયાં હતાં. 

મધુ કાંબીકરના નિધનથી મરાઠી સિનેમા અને પરંપરાગત લાવણી કલાના ક્ષેત્રે એક જાણીતા કલાકાર ગુમાવ્યાં છે. પડદા પર માતાની ભૂમિકાઓ અને મંચ પર લાવણી નૃત્ય દ્વારા તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમની લાંબી કલાયાત્રા અને અભિનયને કારણે તેઓ દર્શકોની યાદોમાં જીવંત રહેશે.