(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીનો અભિગમ અપનાવતા સોનાના ભાવ એક સપ્તાહની ઊંચી સપાટીએથી 0.5 ટકાના ઘટાડા સાથે પાછા ફર્યા હતા અને ચાંદીના ભાવમાં પણ 0.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 93 પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં વિશ્વ બજારની સરખામણીમાં વધુ 10 ગ્રામદીઠ રૂ. 1364થી 1369નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 814નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1364 ઘટીને રૂ. 1,47,468 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1369ના ઘટાડા સાથે રૂ. 1,48,061ના મથાળે રહ્યા હતા. એકંદરે આજે ડૉલર સામે રૂપિયો 93 પૈસા મજબૂત થયો હોવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો વધુ રહ્યો હતો, પરંતુ માત્ર રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં ચાંદીમાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહેતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 814ના ઘટાડા સાથે રૂ. 2,20,295ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહી હોવાના અહેવાલ હતા.
આજે લંડન ખાતે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગત બીજી ઑક્ટોબરની ઊંચી સપાટીએથી 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4171.18 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.5 ટકા ઘટીને 4195.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 60.62 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સ ઊંચી સપાટી આસપાસ જળવાઈ રહ્યો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. તેમ જ ગત સપ્ટેમ્બર મહિનાના અમેરિકાના ફુગાવાના ડેટાની આગામી બુધવારે થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી કામકાજો પણ પાંખાં રહ્યા હોવાનું એક્ટિવ ટ્રેડનાં ડિરેક્ટર રિકાર્ડો એવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું. જો, ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળે તો ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતા વધુ પ્રબળ બનતા સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તાજેતરમાં સઉદી અરેબિયા પર થયેલા મોટા હુમલાઓ વચ્ચે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રશિયાથી ડીઝલની ખરીદી કરી પુરવઠો વધારવાના સંકેતો આપતાં વૈશ્વિક સ્તરે તેલમાં પુરવઠાખેંચ વધવાની ભીતિ સપાટી પર આવતા આજે ક્રૂડ તેલના ભાવમાં ચમકારો આવતા પુનઃ ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી 27-28 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 18 ટકા શક્યતા જોઈ રહ્યા હતા, જ્યારે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારાની 85 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી.