મુંબઈ: તહેવારોની સિઝન દરમિયાન ખાદ્ય સુરક્ષાને લઈને મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ તપાસ અભિયાન શરુ કર્યું છે. મુંબઈમાં મલાડ પશ્ચિમ સ્થિત બ્રિજવાસી અને ભાંડુપમાં ઝેપ્ટો લિમિટેડનાં એકમોના ફૂડ લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. બીજી તરફ, પુણે વિભાગમાં ખાદ્ય તેલના જથ્થાની તપાસ દરમિયાન 9,675.2 કિલોગ્રામ શંકાસ્પદ હલકી ગુણવત્તાવાળા અથવા અસુરક્ષિત તેલનો જથ્થો સામે આવ્યો છે, જેની કિંમત ₹21.94 લાખથી વધુ છે. આ કાર્યવાહી એફડીએ કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
મલાડના બ્રિજવાસીનું લાઇસન્સ સસ્પેન્ડ
માલાડ પશ્ચિમમાં બ્રિજવાસી નામે ઓળખાતી દુકાનની 9 ઑક્ટોબર, 2026ના રોજ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગંભીર ખામીઓ અને જાહેર આરોગ્યને જોખમ પહોંચાડી શકે તેવી બાબતો સામે આવતાં 10 ઑક્ટોબરથી તેનું FSSAI લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 32(1) અને 32(3) હેઠળ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ભાંડુપમાં ઝેપ્ટોનું લાઇસન્સ પણ સસ્પેન્ડ
ભાંડુપમાં એલબીએસ માર્ગ પર ગોપાલ એસ્ટેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઝેપ્ટો લિમિટેડના એકમની 7 ઑક્ટોબરે ફૂડ સેફ્ટી અધિકારીએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011ના શેડ્યૂલ-4 હેઠળ સ્વચ્છતા અને સેનિટેશન સંબંધિત ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યાં હતાં. ત્યારબાદ 9 ઑક્ટોબરથી એકમનું FSSAI લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
પુણે વિભાગમાં ₹21 લાખનું શંકાસ્પદ તેલ ઝડપાયું
પુણે વિભાગમાં 10 અને 11 ઑક્ટોબરે ખાદ્ય તેલના જથ્થાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 9,675.2 કિલોગ્રામ શંકાસ્પદ હલકી ગુણવત્તાવાળા અથવા અસુરક્ષિત તેલનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹21,94,797 આંકવામાં આવી છે. પુણેના ગુલટેકડી માર્કેટ યાર્ડમાં બન્સલ ટ્રેડિંગ કંપની પાસેથી ₹6,38,500ની કિંમતનું 1,061 કિલોગ્રામ તેલ અને રમેશલાલ એન્ડ સન્સ પાસેથી ₹6,73,219ની કિંમતનું 2,109 કિલોગ્રામ તેલ નોંધાયું હતું.
આ ઉપરાંત, સોલાપુરના અક્કલકોટમાં સંકેત ટ્રેડર્સ પાસેથી 796.8 કિલોગ્રામ, મંગળવેઢામાં સ્નેહલ ઓઇલ મિલ પાસેથી 884 કિલોગ્રામ, સાંગલીના તાસગાંવમાં તુલસી એજન્સી પાસેથી 4,540 કિલોગ્રામ અને મિરજમાં મહેશ ટ્રેડિંગ કંપની પાસેથી 284.4 કિલોગ્રામ તેલનો જથ્થો સામે આવ્યો હતો.
પુણેમાં હોટેલ-ઢાબા સામે પણ કાર્યવાહી
ખાદ્ય તેલ ઉપરાંત પુણે અને પિંપરી-ચિંચવડ વિસ્તારમાં હોટેલ, ઢાબા અને ખાણીપીણીનાં એકમો સામે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. 9 અને 10 ઑક્ટોબરે ત્રણ એકમોમાં શેડ્યૂલ-4 હેઠળ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન નોંધાયું હતું. તેમાં પુણેના લોહેગાંવમાં પંજાબી ઢાબા, કોંઢવા ખુર્દમાં ખાન-એ-ખાસ હોટેલ અને ઉરુળી દેવાચીમાં હોટેલ સોનાઈનો સમાવેશ થાય છે.
લાઇસન્સ વગર ચાલતાં ચાર એકમોને ધંધો બંધ કરવાનો આદેશ
10 ઑક્ટોબરે લાઇસન્સ અથવા નોંધણી વિના ધંધો ચલાવતા ચાર એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં પુણેના કેમ્પ વિસ્તારમાં બોટી સ્ટ્રીટ પર આવેલા ગાર્ડન વડાપાવ સેન્ટર, પિંપરી-ચિંચવડના થેરગાંવમાં બાલાજી સાઉથ ઇન્ડિયન ફૂડ અને રહાટણીમાં એન્જિનિયર વડેવાલે એન્ડ થાળી તથા જી.કે. હોટેલ પ્યોર વેજનો સમાવેશ થાય છે. આ એકમોને ધંધો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તહેવારોના સમયગાળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને લાઇસન્સ સંબંધિત નિયમોના પાલન પર એફડીએએ તપાસ વધારી છે. મુંબઈમાં બે એકમોના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની અને પુણે વિભાગમાં તેલના જથ્થા તથા ખાણીપીણીનાં એકમો સામે કાર્યવાહી કરવાની કરાઈ હતી. આ કાર્યવાહી આખું વર્ષ ચાલુ રહેશે તેવી માહિતી પણ અધિકારીઓએ આપી હતી.