મુંબઈ: રખડતા કૂતરાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમની નસબંધી અને રસીકરણ જેવા ઉપાયો અમલમાં મૂકવાની દ્રષ્ટિએ રાજ્યમાં આવા કૂતરાઓની કુલ સંખ્યા કેટલી છે તે જાણવું જરૂરી હોવાનું નોંધીને, મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને બીજી નવેમ્બર સુધીમાં તેની વિગતો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
દેશભરમાં રખડતા કૂતરાઓના ત્રાસની ગંભીર સમસ્યા હોવાનું ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને તેનું પાલન થાય તે હેતુથી આ મામલે નિયમન કરવા માટે દેશભરની તમામ હાઈ કોર્ટને સુઓમોટો અરજી દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે મુજબ, હાઈ કોર્ટે દાખલ કરેલી અરજી પર મુખ્ય ન્યાયાધીશ મહેશ ત્રિપાઠી અને ન્યાયમૂર્તિ અદ્વૈત સેઠનાની ખંડપીઠ સમક્ષ આગળની સુનાવણી હાથ ધરાઈ હતી.
કૂતરાઓનું આયુષ્ય સામાન્ય રીતે ૧૨ થી ૧૫ વર્ષ હોય છે. નસબંધીના પગલાથી રખડતા કૂતરાઓની સંખ્યા ધીમે ધીમે ઓછી થશે. દર પાંચ વર્ષે થતી પશુગણતરીના આધારે રખડતા કૂતરાઓની સંખ્યાનો અંદાજ મેળવી શકાય છે, તેવી રજૂઆત સરકારી વકીલે કરી હતી. છેલ્લા મહિનાઓમાં ૧૩ હજાર ૩૮૨ કૂતરાઓની નસબંધી કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે આપી હતી.
રખડતા કૂતરાઓની નસબંધી અને રસીકરણ જેવા ઉપાયો પૂરતા પ્રમાણમાં અમલમાં મૂકાઈ રહ્યા છે કે નહીં, તેના મૂલ્યાંકન માટે રખડતા કૂતરાઓની હાલની સંખ્યાનો અંદાજ હોવો જરૂરી છે.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં છેલ્લા છ મહિનામાં એક લાખ ૫૦ હજાર ૫૯૪ કૂતરાઓની નસબંધી કરવામાં આવી છે. જોકે, સંબંધિત વિસ્તારોમાં રખડતા કૂતરાઓની હાલની અંદાજિત સંખ્યા જાણવી જરૂરી છે,’ એવું આ મામલે કોર્ટને સુનાવણીમાં મદદ કરનારા ‘એમિકસ ક્યુરી’ વરિષ્ઠ વકીલ મિહિર દેસાઈએ સૂચવ્યું હતું.