(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષનો ઑક્ટોબર મહિનો મુંબઈગરા માટે આકરો જવાની શકયતા છે. હીટવેવની અસર હેઠળ મુંબઈમાં તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે, જેમાં સોમવારે હીટવેવની ચેતવણી આપવામાં આવ્યા બાદ સાંતાક્રુઝમાં દિવસનું તાપમાન ૩૮.૨ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. નવ ઑક્ટોબર પછી આ મહિનામાં આ બીજી વખત હીટ વેવની ચેતવણી હતી.ચોમાસાની જલદી વિદાય થયા બાદ મુંબઈમાં તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે. શુક્રવારથી મુંબઈગરા ગરમી અને અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે.
રવિવારે મુંબઈમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો નોંધાયા બાદ સોમવારે તેમાં હજી વધારો નોંધાયો હતો. દિવસ દરમ્યાન સાંતાક્રુઝમાં દિવસનું તાપમાન ૩૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. જયારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૩.૯ ડિગ્રી વધારે હતું. સોમવારનું તાપમાન છેલ્લાં ૧૩ વર્ષના ગાળામાં નોંધાયેલું બીજું સૌથી ઊંચું તાપમાન હતું.
આ વર્ષે નૈર્ઋત્યના ચોમાસાએ જલદી એટલે કે ૩ ઑક્ટોબરના વિદાય લીધી છે. ચોમાસાની વિદાય સાથે સોમવારના ૩૮.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આ સિઝનમાં દિવસનું નોંધાયેલું સૌથી ઊંચું તાપમાન પણ રહ્યું હતું.હવામાન વિભાગે મુંબઈમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પડી રહેલી ગરમી માટે મુંબઈ તરફ ફૂંકાતા ગરમ પૂર્વીય પવનને જવાબદાર ગણાવ્યા હતા. તાપમાન ઊંચું રહેવાને કારણે સોમવાર માટે પણ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.આ ચેતવણી રવિવારે સાંતાક્રુઝમાં નોંધાયેલા મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાના એક દિવસ બાદ આપવામાં આવી હતી.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ અઠવાડિયાના અંત સુધીમાં સ્થિતિમાં સુધારો થવાની શકયતા છે. હવામાનના મોડેલ મુજબ એન્ટિસાયક્લોન નબળું પડી રહ્યું હોવાથી આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. મંગળવારે પણ ઊંચું તાપમાનની શકયતા હોઈ એ બાદ દિવસના તાપમાનમાં ઘટાડો થશે. એન્ટિસાયકલોન સક્રિય હોવાથી દરિયાઈ પવન અટકી ગયા હોવાથી દિવસના તાપમાનમાં મોટો વધારો થયો છે.રાજ્યમાં પણ મોટાભાગના જિલ્લામાં હાલ તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે, જેમાં સોમવારે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કોંકણ જિલ્લાના રત્નાગિરીમાં ૩૯.૨ ડિગ્રી નોંધાયું હતું.
mumbai-heatwave-october-temperatures