મુંબઈ: વિશેષ સીબીઆઇ કોર્ટે કેનેરા બૅંક સાથે 146.35 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સોમવારે અબજોપતિ જ્વેલર જતિન મહેતા, તેની પત્ની અને અન્ય વ્યક્તિને ભાગેડુ જાહેર કરતો આદેશ આપ્યો હતો. વિશેષ જજ નીતિન વી. જીવાનેએ ફરાર આરોપીઓ કોર્ટમાં હાજર થાય તે માટે ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની સુસંગત જોગવાઇઓ હેઠળ તેમની વિરુદ્ધ ભાગેડુ જાહેર કરતો આદેશ જારી કરવામાં આવે એવી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની અરજીને માન્ય રાખી હતી, પરંતુ સાગમટે તેમની મિલકતોને ટાંચ મારવાની વિનંતી કોર્ટે નકારી કાઢી હતી.
સીબીઆઇ દ્વારા જતિન મહેતા, તેની પત્ની સોનિયા અને અન્ય બે વ્યક્તિ તેમની મિલકતો વેચી મારી શકે છે એવી દલીલ કરીને મિલકતોને ટાંચ મારવા માટે પરવાનગી માગવામાં આવી હતી. જોકે કોર્ટે સીઆરપીસીની કલમ 83 હેઠળ સીબીઆઇએ રેકોર્ડ પર કોઇ પણ સામગ્રી મૂક્યા વિના મિલકત વેચી મારશે એવી ઉપસ્થિત કરેલી ચિંતા નકારી કાઢી હતી. કાયદા અનુસાર કાર્યવાહીના યોગ્ય ક્રમ માટે મિલકતોની ટાંચ માટે સીબીઆઇ નવેસરથી અરજી કરી શકે છે, એવી નોંધ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.
સીબીઆઇનો આરોપ છે કે જતિનની કંપની વિન્સમ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિ.એ. વિદેશમાં ત્રણ બુલિયન બૅંક- ધ બૅંક ઓફ નોવા સ્કોટિયા, સ્ટાન્ડર્ડ બૅંક અને સ્ટાર્ન્ડર્ડ ચાર્ટર્ડ બૅંક પાસેથી ભારતીય બૅંક પાસેથી ગેરેન્ટીને આધારે સોનું ખરીદી કર્યું હતું. આ પછી પ્રક્રિયા કરી સોનું યુએઇમાં 13 ખરીદદારોને મોકલી દીધું હતું, એમ સીબીઆઇએ જણાવ્યું હતું. (પીટીઆઇ)