નવી દિલ્હીઃ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે નિયુક્ત કરવામાં આવેલા ત્રણ નવા સ્થળો પૈકીના એક રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવું છેવટનો અને ખર્ચાળ સોદો સાબિત થઇ શકે છે. કારણ કે આગામી અઢી મહિના સુધી ત્યાં કોઇ તારીખ ખાલી નથી અને ત્યાર બાદ પણ બુકિંગનો ખર્ચ એક લાખ રૂપિયાથી વધુ થઇ શકે છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ૧૨ એકરમાં ફેલાયેલા આ મેદાનમાં ૫૦,૦૦૦ લોકો સમાઇ શકે છે, પરંતુ મેદાનને આ વર્ષે માત્ર ૨૯, ૩૦ અને ૩૧ ડિસેમ્બર માટે જ બુક કરી શકાશે. એક અધિકારીએ કહ્યું કે મેદાનનો બુકિંગ દર ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસ છે. તેમજ ૫૫,૦૦૦ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ આપવી પડશે, જે પછી પરત મળી જશે. એક દિવસ માટે બુકિંગનો પ્રારંભિક ખર્ચ ટેક્સ સહિત ૧.૨૧ લાખ રૂપિયા થવા પામે છે.
મ્યુનિસિપલ અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે મેદાનનો એક નાનો ભાગ વિરોધ પ્રદર્શન અને સભાઓ માટે નિઃશુલ્ક છે, પરંતુ ત્યાં માત્ર ૧૫૦ લોકોનો સમાવેશ થઇ શકે છે. દિલ્હી પોલીસ કમિશ્નર અનુરાગ કુમારના ૧૧ ઓક્ટોબરના આદેશ અંતર્ગત જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. પૂર્વ દિલ્હીમાં રામલીલા મેદાન, બુરારી મેદાન અને સીબીડી મેદાનને આંદોલન માટેના નવા સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે જો મેદાનને કોઇ પણ ચાર્જ વિના વિરોધ પ્રદર્શન માટે આપવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયાનું નુકશાન થશે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં દશેરા અને દિવાળી જેવા મુખ્ય તહેવારો આવતા હોવાથી આ મેદાન વિવિધ કાર્યક્રમો અને ઉત્સવો માટે બુક કરવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ મેદાન એક વ્યસ્ત કમર્શિયલ વિસ્તારમાં આવેલું છે. આ મેદાન ત્રણ હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય નજીક આવેલું છે. અહીં યોજાતા મોટા કાર્યક્રમોને કારણે આસપાસના રસ્તાઓ પર હંમેશા દબાણ રહે એમ અધિકારીઓએ કહ્યું હતું.