નવી દિલ્હી: દેશમાં SIR અને સીઇસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે પંજાબમાં SIR બાદની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યની 117 વિધાનસભાની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 7 લાખ 97 હજાર નામો ઉમેરાયા છે. જ્યારે 13 લાખ વધુ નામો રદ થયા છે.
અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા 2,01,00,727
પંજાબમાં જૂન મહિનામાં SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યારે મતદારોની સંખ્યા 2,14,61,043 હતી. આજે જાહેર કરાયેલી અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા 2,01,00,727 છે. જે પાત્ર મતદારોનો હજુ સુધી સમાવેશ થયો નથી તેઓ ECI-Net એપ દ્વારા ઓનલાઇન અરજી કરીને અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) પાસે 'ફોર્મ 6' ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરાવી શકે છે.
પંજાબનો સમાવેશ SIR 2026 ના ત્રીજા તબક્કામાં કરાયો
ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અને 14 મે, 2026ના જાહેરનામા અનુસાર, પંજાબમાં 25 જૂન, 2026ના રોજ મતદાર યાદીના SIR - 2026ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પંજાબનો સમાવેશ SIR 2026 ના ત્રીજા તબક્કામાં કરવામાં આવ્યો હતો. 9 જૂન, 2026 સુધીમાં પંજાબમાં કુલ 2,14,61,043 નોંધાયેલા મતદારો હતા.
કુલ 20,100,727 મતદારોમાં 10,376,026 પુરુષો, 09,724,195 મહિલાઓ
આ પ્રક્રિયા દરમિયાન જે મતદારોને નોટિસ આપવામાં આવી હતી તેવા 3,549,036 મતદારોમાંથી, ઝીણવટભરી ચકાસણી અને કારણો દર્શાવતા આદેશો જાહેર કર્યા બાદ 86,038 મતદારોને અપાત્ર જાહેર કરવામાં આવ્યા હતા. મુસદ્દા મતદાર યાદીમાં સમાવિષ્ટ 19,394,435 મતદારોની સરખામણીએ, અંતિમ યાદીમાં મતદારોની સંખ્યા વધીને 20,100,727 થઈ છે. જે 3.64 ટકાનો વધારો દર્શાવે છે. અંતિમ યાદીમાં સમાવિષ્ટ કુલ 20,100,727 મતદારોમાં 10,376,026 પુરુષો, 09,724,195 મહિલાઓ અને 506 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું
આ ઉપરાંત મતદારોની સુવિધા માટે તમામ જિલ્લાઓમાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. જેના પરિણામે મતદાન મથકોની સંખ્યા 24,453 થી વધીને 25,332 થઈ છે.