Mon Oct 12 2026

Logo

આવતીકાલે અમદાવાદમાં હર્ષ સંઘવીના હસ્તે 158 શરણાર્થીને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાશે

2026-10-12 20:53:00
Author: Mumbai Samachar Team
આવતીકાલે અમદાવાદમાં હર્ષ સંઘવીના હસ્તે 158 શરણાર્થીને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાશે

અમદાવાદઃ રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અન્વયે શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાના ભાગરુપે આવતીકાલે મહત્ત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શરણાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ' યોજાશે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ'માં CAA અંતર્ગત ૧૨૬ અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા ૩૨ મળીને કુલ ૧૫૮ શરણાર્થીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે. 

ભારત સરકાર દ્વારા ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને 'સિટીઝનશિપ એક્ટ-૧૯૫૫'ની કલમ-૫ અને ૬ અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ સુધીમાં ૧૨૦૦થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.  

અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 195 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયાત કરવામાં આવ્યા હતા. સીએએ અન્વયે 122 અને ક્લેક્ટર કચેરીમાં નોંધાયેલા 73 પ્રમાણપત્ર મળીને કુલ 195 પ્રમાણપત્ર આપ્યા હતા.