Mon Oct 12 2026

Logo

MPSC આંદોલન પર રાહુલ ગાંધીની ટિપ્પણી 'બાલિશ': ભાજપ નેતા આશિષ શેલાર

2026-10-12 20:59:00
Author: Mumbai Samachar Team
MPSC આંદોલન પર રાહુલ ગાંધીની ટિપ્પણી 'બાલિશ': ભાજપ નેતા આશિષ શેલાર

મુંબઈઃ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ના ઉમેદવારો દ્વારા પેપર લીક અને અનિયમિતતાઓની તપાસ માટે વરિષ્ઠ IAS અધિકારી તુકારામ મુંઢેની અધ્યક્ષતામાં સમિતિ રચાયા બાદ ૧૦ દિવસીય આંદોલન સમેટી લેવાયું છે. MPSC અધ્યક્ષ વિવેક ભીમનવાર રજા પર ઉતરી જતાં રાહુલ ગાંધીએ તેને વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી. આ ટિપ્પણી સામે મુંબઈ પ્રેસ ક્લબ ખાતે ભાજપ નેતા આશિષ શેલારે રાહુલ ગાંધીના નિવેદનને "બાલિશ" ગણાવ્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે વિરોધ કરવા માટે લોકતાંત્રિક અને બંધારણીય માર્ગોનો ઉપયોગ કરવો જોઈએ.

ભરતી સંસ્થામાં પેપર લીક સહિતની કથિત અનિયમિતતાઓની તપાસ કરવા માટે વરિષ્ઠ આઈએએસ અધિકારી તુકારામ મુંઢેને સચિવ તરીકે નિયુક્ત કરીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવ્યા બાદ, એમપીએસસીના ઉમેદવારોએ રવિવારે મોડી રાત્રે તેમનું ૧૦ દિવસીય આંદોલન સમાપ્ત કર્યું હતું. 

ત્યાર બાદ એમપીએસસીના અધ્યક્ષ વિવેક ભીમનવારે જાહેરાત કરી કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ રજા પર ઉતરી ગયા છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ગાંધીએ કહ્યું કે, ભરતી સંસ્થામાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ના અધ્યક્ષનું રજા પર ઉતરી જવું એ એક મોટી જીત છે.

મુંબઈ પ્રેસ ક્લબ ખાતે પત્રકારો સાથે વાત કરતા શેલારે કહ્યું, "ગાંધીની ટિપ્પણીઓ બાલિશ છે. અમે પણ વિદ્યાર્થીઓની સાથે હતા, તેથી આ અમારી પણ જીત છે." દરેકને વિરોધ કરવાનો અધિકાર છે તેમ ભારપૂર્વક જણાવતા શેલારે કહ્યું કે, રાજકીય પક્ષોએ તેમની ફરિયાદોના નિવારણ માટે સંસદ અને અદાલતો સહિતની બંધારણીય વ્યવસ્થાઓનો ઉપયોગ કરવો જોઈએ. 

ગાંધીએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાને બદલે સંસદમાં મુદ્દાઓ ઉઠાવવા જોઈએ અથવા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવો જોઈએ. શેલારે દાવો કર્યો હતો કે વિપક્ષમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર, કાશ્મીર તેમ જ યુવાનો અને વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ પર આંદોલનો કર્યા હતા, પરંતુ સંસદમાં ઘૂસણખોરી કરી નહોતી કે વડા પ્રધાનના નિવાસસ્થાને પ્રવેશ કર્યો નહોતો. 

આ અમારા રાજકીય મૂલ્યો નથી. બંધારણીય સંસ્થાઓને નબળી પાડ્યા વિના, લોકતાંત્રિક ચર્ચા અને કાનૂની ઉપાયો દ્વારા રાજકીય મતભેદોનું નિરાકરણ લાવવું જોઈએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.