હત્યા બાદ પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવી, પણ આકરી પૂછપરછમાં ગુનો કબૂલ્યો...
પુણે: પુણેમાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગરવાલને વાગ્દત્તા સિયા ગોયલે તેના પ્રેમી સાથે મળીને લોહગઢ કિલ્લા પરથી ધકેલીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાની ચર્ચા હજી શમી નથી, ત્યાં કોલ્હાપુરમાં પણ લગ્નનો ઇનકાર કરનારી પ્રેમિકાને તેના પ્રેમીએ ઊંડી ખીણમાં ધકેલીને મારી નાખી હોવાની ઘટના સામે આવી છે. હત્યા બાદ પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જઇ પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પણ તેણે આપેલી વિગતમાં વિસંગતિઓ જણાતાં પોલીસે આકરી પૂછપરછ કરી હતી, જેમાં તેણે ગુનો કબૂલ્યો હતો.
ભુદરગડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંદીપ જગતાપે જણાવ્યું હતું કે આ ઘટના 9 ઑક્ટોબરે બપોરે બની હતી અને પ્રેમિકા તરન્નુમનો મૃતદેહ શનિવારે નાઇકવાડી ધોધ નજીક ખીણમાંથી મળી આવ્યો હતો. તરન્નુમની હત્યા કરવા પ્રેમી શ્રીપાદ વડર (25)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.કોલ્હાપુર જિલ્લાના ગાર્ગોટી ગામમાં રહેનારી તરન્નુમ અને શ્રીપાદ વચ્ચે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો.
એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી તરન્નુમના ચાર મહિના અગાઉ લગ્ન નક્કી થયા બાદ તે શ્રીપાદને ટાળવા લાગી હતી. તરન્નુમના વર્તનમાં આવેલા બદલાવથી શ્રીપાદ નારાજ થયો હતો અને તેણે લગ્ન પહેલા છેલ્લી વખત મળવા માટે તરન્નુમને કહ્યું હતું. તે ઘટનાને દિવસે તરન્નુમને ભુદરગડ તાલુકાના પટગાવ નજીક પર્યટન સ્થળે લઇ ગયો હતો, જ્યાં તેણે તરન્નુમને લગ્ન માટે પૂછ્યું હતું, પણ તેણે લગ્નનો ઇનકાર કરતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેણે તરન્નુમને ઊંડી ખીણમાં ધકેલી દીધી હતી.
શ્રીપાદ બાદમાં પોતાના ઘરે આવ્યો હતો અને તરન્નુમ ગુમ થઇ હોવાનું પરિવારજનોને કહ્યું હતું. શ્રીપાદે દાવો કર્યો હતો કે તે મોટરસાઇકલ પાર્ક કરીને પાણી લેવા ગયો ત્યારે તે ગાયબ થઇ ગઇ હતી.શ્રીપાદ બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તરન્નુમ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે તેણે આપેલી વિગતોમાં વિસંગતિઓ જણાતાં પોલીસને શંકા ગઇ હતી. આથી પોલીસે શ્રીપાદની આકરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.