Wed Sep 23 2026

Logo

ચીનમાં સાત્વિક-ચિરાગે ચીની જોડીને હરાવી જીતી લીધું ટાઇટલ

Shenzhen   2026-09-06 17:25:45
Author: Ajay Motiwala
ચીનમાં સાત્વિક-ચિરાગે ચીની જોડીને હરાવી જીતી લીધું ટાઇટલ

શેન્ઝેન (ચીન): બૅડમિન્ટનમાં ભારતની ટોચની ડબલ્સ જોડી સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી (Rankireddy) અને ચિરાગ શેટ્ટી (Shetty)એ ચીનની ધરતી પર ચીન (China)ના જ હરીફોની જોડીને ફાઇનલમાં હરાવીને મોટી સિદ્ધિ મેળવી છે. આ ભારતીય જોડીએ રવિવારે ચાઇના માસ્ટર્સ નામની ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.

આંધ્ર પ્રદેશના સાત્વિક અને મુંબઈના ચિરાગે ચીનના હી જિ ટિન્ગ અને રેન ઝિઆન્ગ યુને દિલધડક મુકાબલામાં જોરદાર કમબૅક બાદ પરાજિત કર્યા હતા. પ્રથમ ગેમમાં સાત્વિક-ચિરાગ 11-21થી હારી ગયા હતા, પરંતુ પછીની બે ગેમ સાત્વિક-ચિરાગે 21-13, 21-17થી જીતીને ફાઇનલમાં શાનથી વિજય મેળવ્યો હતો. વર્લ્ડ નંબર-ફોર ચીની ટીમ સામેની આ મૅચ એક કલાક અને 10 મિનિટ સુધી ચાલી હતી.

સાત્વિક-ચિરાગનું બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યૂએફ) વર્લ્ડ ટૂરનું આ 10મું ટાઇટલ છે. ભારતીય જોડીએ 2023 અને 2025માં ચીનની આ ટૂર્નામેન્ટમાં રનર-અપ રહ્યા બાદ હવે ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે.

વર્તમાન સીઝનનું તેમનું આ બીજું ટાઇટલ છે. તાજેતરમાં તેઓ સિંગાપોર ઓપનનું ટાઇટલ જીત્યા હતા. ચીનના ટિન્ગ-યુ સામે સાત્વિક-ચિરાગ હવે હેડ-ટુ-હેડમાં 3-0થી આગળ છે.