Tue Oct 13 2026

Logo

જેલમાં બંધ આઝમ ખાનની ED કરશે પૂછપરછ, મની લોન્ડ્રિંગ કેસમાં ખુલશે રાઝ?

2026-10-13 13:16:00
Author: Mumbai Samachar Team
જેલમાં બંધ આઝમ ખાનની ED કરશે પૂછપરછ, મની લોન્ડ્રિંગ કેસમાં ખુલશે રાઝ?

જૌહર ટ્રસ્ટ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઇને રામપુર જેલમાં બંધ આઝમ ખાનની ઇડી  પૂછપરછ કરશે. EDની ટીમ જેલ પહોંચી ચુકી છે. આઝમ ખાન  ઉપરાંત તેમના દીકરા આઝમની પણ  પૂછપરછ કરવાની છે. જૌહર ટ્રસ્ટ કેસમાં કોન્ટ્રાક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સહીત અન્ય ફર્મ સંચાલકો, રામપુરથી સપા વિધાયક નસીર અહમદ ખાનના નિવેદનોને આઝમ ખાન સાથે વેરિફાઇ કરવામાં આવશે.

ઈડી (ED) જૌહર ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ હેઠળ સંબંધિત કંપનીઓ, બેંક ખાતાઓ અને ટ્રસ્ટ વચ્ચે થયેલા વ્યવહારોની વિગતો એકત્ર કરી રહી છે. ઈડી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ડોનેશનની રકમ ક્યાંથી આવી અને કયા માધ્યમો દ્વારા તેને જૌહર યુનિવર્સિટી સુધી પહોંચાડવામાં આવી.

બુધવાર સુધી લંબાઈ શકે છે પૂછપરછ

જૌહર ટ્રસ્ટ માટે લેવાયેલા નિર્ણયોમાં આઝમ ખાનની ભૂમિકા, સરકારી વિભાગોના બજેટમાંથી બાંધકામ કરવાનો આરોપ, બોગસ દાતાઓ અને ડમી ટ્રસ્ટીઓને લઈને આઝમ ખાનની પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પૂછપરછ બુધવાર સુધી લંબાવવામાં આવી શકે છે.

સલીમની બે વાર થઈ ચૂકી છે પૂછપરછ

જણાવી દઈએ કે આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લાના નજીકના ગણાતા સલીમની ઈડી (ED) બે વાર પૂછપરછ કરી ચૂકી છે. ત્રીજી વાર પણ સલીમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઈડીની રડારમાં આઝમ ખાનના નજીકના અનવર પણ છે. ઈડી તેમને 14 ઑક્ટોબરે પૂછપરછ માટે બોલાવી શકે છે.

મહત્વનું છે કે આઝમ ખાન જૌહર યુનિવર્સિટીના સંસ્થાપક છે. જૌહર ટ્રસ્ટ જૌહર યૂનિવર્સિટી સંચાલિત કરે છે. 

આઝમ ખાન પર વધુ એક કેસ દાખલ

આઝમ ખાન વિરુદ્ધ વધુ એક એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. રાજ્ય હજ સમિતિ જમીન કૌભાંડમાં વિજિલન્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. યુપી રાજ્ય હજ સમિતિના તત્કાલીન અધ્યક્ષ આઝમ ખાન સામે FIR થઈ છે. આ સાથે જ બે ભૂતપૂર્વ સચિવો સહિત પાંચ લોકો વિરુદ્ધ વિજિલન્સે ગુનો નોંધ્યો છે. વિજિલન્સ તપાસમાં રૂ. 2.08 કરોડના મહેસૂલી નુકસાનનો ખુલાસો થયો છે. સમગ્ર મામલો હજ સમિતિની જમીન વેચવામાં થયેલી ગેરરીતિનો છે.