ભરત ભારદ્વાજ
યમનના હુતી બળવાખોરો અને સઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી જંગ ચાલે છે. સઉદી અરેબિયા યમનની રાજધાની સના સહિતના વિસ્તારોમાં હુતીઓનાં ઠેકાણાંને નિશાન કરીને હુમલા કરી રહ્યું છે જ્યારે હુતીઓ સઉદીની પેટ્રોલ-ગેસ પાઈપલાઈનોને ટાર્ગેટ કરી રહ્યાં છે. હવે અચાનક જ હુતી બળવાખોરોએ વ્યૂહરચના બદલીને સઉદીની રાજધાની રિયાધના એરપોર્ટને નિશાન બનાવીને ઉપરાછાપરી હુમલા કરતાં સાઉદી ભડક્યું છે તેથી મિડલ ઈસ્ટમાં મોટા ભડકાનાં એંધાણ છે. સઉદી અરેબિયા અને હુતીઓના જંગમાં અમેરિકા, પાકિસ્તાન, તુર્કીયે અને ઈઝરાયલ પણ કૂદે એવી શક્યતા છે.
હુતીઓના હુમલામાં કુલ 8 દેશોના નાગરિકો મરાયા છે. આ દેશોમાં પણ હુતીઓ સામે આક્રોશ છે ને તેમાંથી કોઈ દેશ પણ યુદ્ધમાં ઝંપલાવે એવી શક્યતા નકારાય નહીં એ જોતાં આખું મિડલ ઈસ્ટ પાછું યુદ્ધના ખપ્પરમાં હોમાય એવા ભણકારા છે.
હુતીઓએ છેલ્લા એક જ અઠવાડિયામાં રિયાધ એરપોર્ટ પર પાંચ હુમલા કરીને ત્રીસેક લોકોને પતાવી દીધા છે અને મોટા પાયે નુકસાન કર્યું છે. આ પહેલાં હુતીઓએ સાઉદીની સૌથી મહત્ત્વની મનાતી પાઈપલાઈ પર હુમલો કરીને સાઉદીને મોટો ફટકો મારેલો. તેના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર થઈ છે ને ભાવ વધવા માંડ્યા છે. જો કે ક્રૂડના ભાવ વધે તેનો બોજ બીજા દેશો પર આવે તેથી સાઉદીને સરવાળે બહુ નુકસાન ના થાય એટલે હુતીઓએ સાઉદીમાં અંદર ઘૂસીને હુમલા કરવા માંડ્યા છે.
હુતીઓની આ વ્યૂહરચના સફળ થઈ છે એ સ્વીકારવું પડે કેમ કે હુતીઓના હુમલાના કારણે મોત તો થયાં જ છે પણ રિયાધ એરપોર્ટ બંધ પણ કરી દેવું પડ્યું છે. અત્યારે એર ઈન્ડિયા સહિતની કોઈ એરલાઈન્સનાં પ્લેન સઉદીના રિયાધ નથી જઈ રહ્યાં કેમ કે હુતીઓનાં મિસાઈલ ક્યારે આવીને પડે ને આપણે વગર લેવાદેવા નુકસાન ભોગવવું પડે તેનો ડર બધાંને સતાવે છે.
મિસાઈલ કે બૉમ્બ નાગરિકતા જોઈને મારતાં નથી તેનો અનુભવ બીજા દેશોને પણ થઈ જ ગયો છે કેમ કે હુતીઓના હુમલામાં સઉદીનાં લોકો તો મયાર્ં જ છે પણ ભારત સહિત બીજા 8 દેશોનાં નાગરિકો પણ મર્યા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, સીરિયા, પેલેસ્ટાઇન એમ 8 દેશના નાગરિકોને હુતીઓએ ઢાળી દીધા એટલે કોઈ દેશ રિયાધ જવા તૈયાર નથી તેથી સઉદી અરેબિયાને મોટો ફટકો પડી ગયો છે.
હુતીઓના આક્રમણને કારણે સઉદીની સલામત દેશ તરીકેની ઈમેજના ધજાગરા ઉડી ગયા છે એ પણ વધારે મોટું નુકસાન છે. છેલ્લાં ઘણાં વરસોથી સઉદી અરેબિયા પર કોઈ બીજા દેશનો હુમલો પણ થયો નથી કે આતંકવાદી હુમલા પણ થયા નથી. રિયાધ એરપોર્ટ પર થયેલો હુમલો છેલ્લા એક દાયકામાં સઉદી અરેબિયા પરનો સૌથી મોટો હુમલો છે.આ પહેલાં મે 2015માં સઉદી અરેબિયા ના કાતિફમાં એક શિયા મસ્જિદ પર હુમલો થયો હતો તેમાં 21 લોકોનાં મોત થયાં હતાં.આ હુમલા ની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.
આ હુમલા પછી સઉદીમાં શાંતિ હતી પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જંગ શરૂ થયો તેમાં શાંતિ હણાઈ ગઈ છે અને હવે રેલો છેક સઉદીના પગ તળે આવી ગયો છે કેમ કે હુતીઓ સઉદીમાં ઘૂસીને મારી રહ્યા છે.
સઉદી અરેબિયાના પ્રિન્સ સલમાન સઉદીને દુનિયામાં સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ હબ તરીકે સ્થાપિત કરવા માગે છે પણ હુતીઓના હુમલાના કારણે આ ઈમેજના ભુક્કા બોલી ગયા છે. હુતીઓ તો હજુય હુમલા કરવાની ધમકી આપી રહ્યા છે એ જોતાં સાઉદી માટે કપરા દિવસો ચાલુ જ રહેશે એ નક્કી છે.
સઉદી પર હુમલા ચાલુ રહે તો મિડલ ઈસ્ટ માટે પણ કપરા દિવસો આવી જાય કેમ કે બીજા દેશો પણ આ યુદ્ધમાં જોડાય. હુતીઓના વધતા હુમલા અંગે સાઉદીએ અમેરિકા સામે રાવ નાખી છે. અમેરિકાએ હુતીઓનો સફાયો કરવા માટે યમનમાં હુતીઓનાં ઠેકાણાં પર હુમલાની ખાતરી આપી છે.
સાઉદીની પાકિસ્તાન અને તુર્કીયે સાથે થયેલી સમજૂતી પ્રમાણે, ત્રણમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય તો ત્રણેય દેશ પર હુમલો ગણીને તેનો જવાબ અપાશે. બીજી તરફ હુતીઓ ઈરાનના પીઠ્ઠુ છે તેથી યમનમાં હુતીઓ પર હુમલો થાય તો ઈરાન પણ ચૂપ નહીં રહે. ઈઝરાયલ તો કોઈ પણ યુદ્ધમાં કૂદી પડવા માટે ટાંપીને જ બેઠું હોય છે તેથી મિડલ ઈસ્ટમાં અશાંતિ વધવાની જ છે.
સઉદી હુતીઓના હુમલાની ટીકા કરે છે પણ હૂથીઓનું કહેવું છે કે, અમે તો સઉદીના હુમલાનો જવાબ જ આપી રહ્યા છીએ. સઉદી અમારા નાગરિકોની હત્યા કરે ને અમે ચૂપ બેસી રહીએ એ શક્ય નથી. યમનમાં હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના મીડિયાનો દાવો છે કે, સઉદી અરેબિયા ના વિમાનોએ યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો અને સનામાં એક રહેણાંક ઇમારત પર પણ હુમલો કરેલો.
આ હુમલામાં એક બાળકનું પણ મોત થયું છે. હુતીઓના પ્રવક્તા અનીસ અલ-અસબાહીના જણાવ્યા અનુસાર, 3 સપ્ટેમ્બરથી અત્યાર સુધી સઉદી અરેબિયાના હવાઈ હુમલાઓમાં 91 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને તેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. હુતીઓના દાવા સામે સઉદી ચૂપ છે એ જોતાં આ દાવો સાચો હશે એનું માની શકાય.
ભારત માટે આ જંગ માથાનો દુ:ખાવો બનશે તેમાં શંકા નથી. સઉદી પર સતત હુમલા થાય તેના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર તો અસર થાય જ પણ પણ આ હુમલાનો રેલો પાકિસ્તાન લગી આવી જાય તો ભારતને પણ થોડીઘણી અસર થાય જ. તુર્કિયે અને પાકિસ્તાને હુતીઓના હુમલનો જવાબ આપવામાં સઉદી અરેબિયાને સાથ આપવાની જાહેરાત કરી છે. ‘મક્કા એલાયન્સ ફોર ડિફેન્સ’ તરીકે ઓળખાતા સંરક્ષણ કરાર સાથે આ ત્રણેય દેશો જોડાયેલા હોવાથી ત્રણેય દેશો એકબીજાને મદદ કરવા માટે બંધાયેલા છે.
સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન કે તુર્કિયે હુતીઓ પર હુમલા કરે તો હુતીઓ પણ પાકિસ્તાનને નિશાન બનાવશે. હુતીઓ અને ઈરાન બંને પાકિસ્તાન પર હુમલા કરે તો તેની અસર આપણા વ્યાપારી માર્ગો પર પડશે એ જોતાં ભારત પણ વગર લેવેદેવે દંડાશે.
ભારતને સીધી કોઈ અસર થવાની નથી પણ પાડોશમાં અશાંતિ હોય તો તેની કિંમત આપણે ચૂકવવી જ પડતી હોય છે તેથી ભારતે પણ સતર્ક રહેવું પડશે. મિડલ ઈસ્ટની અશાંતિ પણ ભારતને અસર કરે કેમ કે કરોડો ભારતીયો મિડલ ઈસ્ટમાં રહે છે.