અમદાવાદઃ ગુજરાતમાં આસો મહિનાની શરૂઆતથી જ આભમાંથી અગનગોળા વરસી રહ્યા છે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીના કારણે રોગચાળો પણ વકર્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું નોંધાયું હતું. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહ્યું હતું.
રાજ્યમાં રાજકોટ 39.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડીસામાં 38.8 ડિગ્રી, પોરબંદરમાં 38.6, ભુજમાં 38.2, વેરાવળમાં 38.2, સુરેન્દ્રનગરમાં 37.8, કેશોદમાં 37.5, અમદાવાદમાં 36.8, વડોદરામાં 36.6, સુરતમાં 36.6, મહુવામાં 36.6, ભાવનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 35.9, ગાંધીનગરમાં 35.8, કંડલા પોર્ટમાં 35.5, નલિયામાં 34.6, દ્વારકામાં 31.4, ઓખામાં 31.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
અંબાલાલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ ગરમીની આગાહી કરી છે. તેમણે કહ્યું કે આગામી થોડા સમય માટે હજુ પણ ગરમી રહેશે. મધ્ય ગુજરાતમાં 38 થી 39 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. જ્યારે જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ ગરમી પડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી પડશે.
અંબાલાલ મુજબ, 17 થી 22 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ આ દરમિયાન વાદળો છવાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે છે. અંબાલાલના કહેવા પ્રમાણે, અરબ સાગરના ભેજના કારણે 21 ઓક્ટોબર બાદ વરસાદ આવવાની શક્યતા છે. મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દિવાળી પહેલા વરસાદ પડવાની શક્યતા છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના પૂર્વાનુમાન આજે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તરાખંડ, બિહાર, ઓડિશા અને ઉત્તરાખંડમાં જોવા મળશે. સામાન્ય લોકોને અત્યંત સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ, આ વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે. 3 રાજ્યોમાં હિમવર્ષાની પણ ચેતવણી છે. જ્યારે આગામી 5 થી 6 દિવસ સુધી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે યુપી, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, અસમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે.