અમિત ત્રિવેદી
હમણાં જ એક ચર્ચા દરમિયાન એક ભાઈએ પોતાના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં થયેલા નુકસાન વિશે ચિંતા વ્યક્ત કરી. તે છેલ્લાં ત્રણેક વર્ષથી જઈંઙ દ્વારા આ ફંડમાં રોકાણ કરી રહ્યા હતા. જેવી ઈક્વિટી રોકાણમાં રહેલા જોખમ વિશે વાત શરૂ થઇ તો તેમણે સામાન્ય રીતે વપરાતું એક વાક્ય કહ્યું, ‘હું તો હંમેશાં ‘કેલ્ક્યુલેટેડ રિસ્ક’ (ગણતરીપૂર્વકનું જોખમ) જ લઉં છું.’
આમાં ‘કેલ્ક્યુલેશન’ શું છે અને આ ’રિસ્ક’ શું છે?
‘રિસ્ક’ એટલે તક ઝડપવી અથવા જોખમ ઉઠાવવું અને ‘કેલ્ક્યુલેટેડ રિસ્ક’ એટલે એનાથી શું પરિણામ આવી શકે છે એની ગણતરી કર્યા પછી જોખમ લેવું. આપણે જે પરિણામ આવે એની અસર અને એ પરિણામ આવવાની શક્યતા - આ બંને બાબત ધ્યાનમાં રાખવી પડે. કોઈપણ પરિણામ વિશે આપણી ધારણા કેવી રહેશે, એ અત્યારની પરિસ્થિતિ કેવી છે તેના પર આધાર રાખે છે.
જ્યારે માર્કેટ તેજીમાં હોય, ત્યારે આપણું ધ્યાન માત્ર પોઝિટિવ પરિણામો તરફ જ વધારે રહે છે. મુશ્કેલ સમયમાં આપણે નેગેટિવ બાબત વિશે વધારે પડતું વિચારવા લાગીએ છીએ. જ્યારે માર્કેટના વાતાવરણ સકારાત્મક હોય, ત્યારે દરેક માહિતી સારી લાગે અને નેગેટિવ માહોલ હોય, ત્યારે ખરાબ.
આ સેન્ટિમેન્ટ ઘણીવાર માર્કેટના ભાવ પરથી નક્કી થાય છે અને એક પ્રકારનું એવું ચક્ર બની જાય છે: સકારાત્મક બાબત વધુ સકારાત્મકતા તરફ લઈ જાય છે અને નકારાત્મક બાબત વધુ નકારાત્મકતા તરફ.
આવા સમયે સવાલ એ થાય કે શું ખરેખર કોઈને પરિણામની શક્યતા કે એની અસર વિશે સાચે જ ખબર હોય છે ખરી ? જોખમ લેવામાં નિર્ણય કરવાની બાબત શામેલ છે, અને આપણા નિર્ણયો પર આપણી લાગણીઓનો પ્રભાવ પડે છે. ‘કેલ્ક્યુલેટેડ રિસ્ક’માં જે ‘કેલ્ક્યુલેશન’ છે, તેનો હેતુ આપણી લાગણીઓને કારણે ઊભા થતા જોખમોને ઓછા કરવાનો છે.
જોખમ પ્રત્યેના આપણા અભિગમનો બીજો એક દૃષ્ટિકોણ પણ છે. આર્થિક નિષ્ણાત જેસન ઝ્વાઈગે (Jason Zweig) તેમના એક આર્ટિકલમાં બહુ મસ્ત વાત કહી હતી:
‘આપણે રોજિંદા અને સામાન્ય જોખમોની શક્યતા અને એની ગંભીરતાને ઓછી આંકીએ છીએ, જ્યારે બહુ દુર્લભ હોય એવાં જોખમોની શક્યતા અને ગંભીરતાને વધારે પડતી આંકી લઈએ છીએ.
‘જ્યારે આપણને લાગે કે પરિસ્થિતિ આપણા કાબૂમાં છે અને આપણે એના પરિણામો સમજીએ છીએ, ત્યારે જોખમ ખરેખર હોય એના કરતાં ઓછું દેખાય છે. જ્યારે જોખમ આપણા કાબૂ બહારનું લાગે અને સમજવું અઘરું હોય ત્યારે તે ખરેખર હોય તેના કરતાં વધુ ખતરનાક લાગે છે.’
આનો અર્થ બે રીતે થાય છે:
1.) આપણે જે ક્ષેત્રના નિષ્ણાત છીએ તેમાં આપણે વધુ મોટું જોખમ લેવાની શક્યતા વધી જાય છે.
2.) યોગ્ય સમજણ કેળવીને આપણે જોખમ લેવાની આપણી ક્ષમતા કે તૈયારી સુધારી શકીએ છીએ.
બીજા પોઈન્ટમાં સૌથી મહત્ત્વનો શબ્દ છે - ‘સમજણ’. કોઈ વસ્તુની માત્ર જાણકારી હોવી પૂરતી નથી. માત્ર માહિતી હોવાથી કામ નહીં ચાલે. ખરેખર જરૂર છે ‘સમજણ’ની, જેના અભાવે ઘણીવાર લોકો વગર વિચારે જોખમ લઈ લે છે (અથવા ટાળે છે).
જોખમ લેવાની તૈયારી વધારવાની સાથે સાથે, જોખમ લેવાની જરૂરિયાત કેટલી છે અને નાણાકીય રીતે જોખમ લેવાની તમારી ક્ષમતા કેટલી છે, એનું યોગ્ય વિશ્ર્લેષણ પણ થવું જોઈએ. અમુક જોખમોમાં વધુ સારું વળતર મળવાની શક્યતા હોય છે, પણ એની સાથે આવતા ખરાબ સમયમાંથી પસાર થવાની ક્ષમતા પણ હોવી જોઈએ.
આમ જોખમ લેવાની તમારી જરૂરિયાત, ક્ષમતા અને તૈયારી આ ત્રણેયનું યોગ્ય મૂલ્યાંકન કરીને સંતુલન જાળવવું, એનું જ નામ ‘કેલ્ક્યુલેટેડ રિસ્ક’. જોખમ લેવું એ કોઈ ખરાબ વાત નથી. રિસ્ક તો માત્ર એક વિકલ્પ કે પસંદગી છે. કોઈપણ નિર્ણયનાં અલગ-અલગ પરિણામો આવી શકે છે, પરંતુ વણજોઈતાં પરિણામોના ડરથી આપણે નિર્ણયો લેવાનું બંધ ન કરી શકીએ કારણ કે કોઈ નિર્ણય ન લેવો એ પણ એક રીતે બીજું કોઈ આપણા માટે નિર્ણય કરી લે તે સ્વીકારી લેવા જેવું જ છે.