Tue Oct 13 2026

Logo

જ્યારે રૂપિયો - ક્રૂડ ઑઇલ ને તમારા EMIનો સંગમ થાય!

2026-10-13 07:54:00
Author: Dr Yogesh Dadke
જ્યારે રૂપિયો - ક્રૂડ ઑઇલ ને તમારા EMIનો સંગમ થાય!

 


ડો. યોગેશ દડકે

હોમ લોનની EMI - કરન્સી કાઉન્ટર પર રૂપિયાનું મૂલ્ય અને પેટ્રોલની કિંમત... આમ તો  આ ત્રણેય બાબત અલગ અલગ લાગે, પરંતુ હાલમાં તમામ સમાન પરિબળો સાથે સંકળાયેલા જોવા મળ્યાં છે. ફુગાવો, ક્રૂડ ઑઇલ, વ્યાજ દરો અને સરહદોની આરપાર થતી નાણાંની હેરફેર... આ બધું સંકળાયેલું છે. ભારતીય પરિવાર માટે, આ એવો મુદ્દો છે જ્યાં વૈશ્ર્વિક અર્થતંત્રની અસરો વ્યક્તિગત જીવન સાથે સીધી રીતે જોડાય છે.


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં  રેપો રેટમાં 25 બેઝિસ પૉઇન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા જાહેર કર્યો. આરબીઆઇએ લગભગ ચાર વર્ષમાં પ્રથમ વધારો જાહેર કર્યો છેે. મૉનેટરી પૉલિસી કમિટીના તમામ છ સભ્યોએ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.


વધુ મહત્ત્વની વાત એ છે કે રિઝર્વ બૅન્કે તેના નીતિગત વલણને તટસ્થ (ન્યુટ્રલ)થી બદલીને સંતુલિત ધોરણે કડક (કેલિબરેટેડ  ટાઇટનિંગ) તરફ વાળ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો મધ્યસ્થ બૅન્ક બજારોને સંકેત આપી રહી છે કે હવે ફુગાવા પર વધુ ધ્યાન આપવાની આવશ્ચકતા છે અને તેના ભવિષ્યનાં પગલાં આગામી આંકડાઓ (ડેટા) પર આધારિત રહેશે.


અત્યારે જ કેમ? ભારત એક અસામાન્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આર્થિક વૃદ્ધિ મજબૂત છે, પરંતુ ફુગાવાનું જોખમ વધ્યું છે. ઑગસ્ટમાં ગ્રાહક ફુગાવો 4.82 ટકા હતો જે સતત ત્રીજા મહિને આરબીઆઇના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં વધારે છે. રિઝર્વ બૅન્કે હવે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અંદાજને વધારીને 5.2 ટકા જાહેર કર્યો છે, સાથે જ જીડીપી વૃદ્ધિના અંદાજને પણ વધારીને 7.1 ટકા જાહેર કર્યો છે. આ એક મહત્ત્વપૂર્ણ સંદેશ છે. અર્થતંત્રમાં પૂરતી ગતિશીલતા હોવાથી આરબીઆઇ કિંમતો પર વધુ મક્કમતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકે.


આના પછી  ક્રૂડ ઑઇલનો મુદ્દો આવે છે. આ અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ ઑઇલનો ભાવ પ્રતિ બેરલ 101 ડૉલરની સપાટીને વટાવી ગયો. ભારત જેવા ઊર્જાની આયાત કરતા દેશ માટે મોંઘા તેલનો અર્થ છે આયાતનું મોટું બિલ અને ડૉલરની વધુ માગ. તેમાં મજબૂત ડૉલર અને ઊંચા ગ્લોબલ બૉન્ડની ઊંચી યિલ્ડ ઉમેરાતાં રૂપિયા પર દબાણ આવે છે. આરબીઆઇના નિર્ણય સમયે તે ડૉલર સામે રૂ. 96.4ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આરબીઆઇ અતિશય અસ્થિરતાને સંભાળી શકે છે, પરંતુ તે ગ્લોબલ ઑઇલના ભાવ કે અમેરિકાના વ્યાજ દરોની અસરોને સાવ ભૂંસી શકતી નથી.


અહીં જ આ વાત આપણાં ઘરો સુધી પહોંચે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ નથી કે આવતીકાલે જ દરેક હોમ લોનની ઇએમઆઇ વધી જશે. બૅન્કોએ પહેલાં આ ફેરફારને ધિરાણના દરો સુધી પહોંચાડવો પડે છે અને તેની અસર લોનના પ્રકાર પર આધારિત હોય છે. પરંતુ ફ્લોટિંગ-રેટ લોન (જેમાં વ્યાજ દર બદલાતા રહે છે) ધરાવતા બૉરોઅર્સ માટે વ્યાજ દરોની દિશા મહત્ત્વપૂર્ણ છે. બચતકારો માટે, ઊંચા દરો આખરે ડિપૉઝિટ પર વધુ સારું વળતર અપાવી શકે છે. તેથી, બૅન્ક કાઉન્ટરની કઈ બાજુએ તમે ઊભા છો તેના આધારે સમાન નીતિનો અનુભવ ખૂબ જ અલગ હોઈ શકે છે.


વિદેશમાં યુનિવર્સિટીની ફી ચૂકવતા વાલી માટે વ્યાજ દર જેટલું જ મહત્ત્વ રૂૂપિયાના મૂલ્યનું પણ છે. ડૉલર કે પાઉન્ડ સામે રૂપિયાના મૂલ્યમાં માત્ર એક રૂપિયાનો ફેરફાર પણ જ્યારે તેને વર્ષભરની ટ્યુશન ફી અને રહેવાના ખર્ચ સાથે ગુણવામાં આવે ત્યારે તે એક નોંધપાત્ર રકમ બની શકે છે. એનઆરઆઇ અથવા એચએનઆઇ માટે પણ આ જ બોધપાઠ છે. તમે જે વળતર કમાઓ છો તે હંમેશાં તમારા હાથમાં રહેતું નથી. ચલણના રૂપાંતરણને કારણે અંતિમ પરિણામ બદલાઈ શકે છે.


વેપારી અને ઉદ્યોગપતિઓએ તો આનાથી પણ વ્યાપક ગણતરીઓ ધ્યાનમાં લેવી પડે છે. સીએફઓ એકસાથે આયાતી કાચો માલ, તેલ, ડૉલર લોન, કાર્યકારી મૂડીનો ખર્ચ અને હેજિંગ જેવી બાબતો પર નજર રાખી શકે છે. જ્યારે ચલણ નબળું પડે ત્યારે નિકાસકારોને કમાયેલા દરેક ડૉલર બદલ વધુ રૂપિયા મળી શકે છે, પરંતુ આયાતી ઘટકો તે લાભને ઘટાડી શકે છે. રોકાણકારોએ એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતના મજબૂત વિકાસ અને નબળા રૂપિયાને કારણે સ્થાનિક અને વિદેશી રોકાણકારો માટે અલગ અલગ પરિણામો આવી શકે છે.


તેથી આરબીઆઇનું આ પગલું માત્ર પૉલિસી સ્ક્રીન પરના 25 બેસિસ પૉઇન્ટના ફેરફાર કરતાં ઘણું વધારે અસર કરનારું છે. તે તેલનાં બજારો, ડૉલર, ફુગાવો, રૂપિયો, લોન લેવાનો ખર્ચ અને ઘરગથ્થુ ખર્ચને જોડતી એક મોટી કડીનો ભાગ છે. આ કડીને સમજવા માટે આપણે આવતા અઠવાડિયે રૂપિયો કયા ભાવે ટ્રેડ થશે તેની આગાહી કરવાની જરૂર નથી. ભલે રૂપિયો ડીલિંગ રૂમમાં ટ્રેડ થતો હોય અને વ્યાજ દરો મુંબઈમાં નક્કી થતા હોય, પરંતુ આખરે તે બંને એક જ જગ્યાએ આવીને મળે છે - આપણા માસિક બજેટમાં!