લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ઇન્ડિયા બ્લોકના નેતાઓ સાથે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી અને ત્યારબાદ સાંજે SIR વિરુદ્ધ અરજી દાખલ કરી. સોમવારે આખો દિવસ આ કૂચને લઈને ભારે ઉત્તેજના અને ચહલપહલનો માહોલ રહ્યો તેમજ મંડી હાઉસથી સુપ્રીમ કોર્ટ વચ્ચેના રસ્તા પર જનમેદની ઉમટી પડી હતી.
આ દરમિયાન SIRના વિરોધમાં સૂત્રોચ્ચાર થતા રહ્યા અને આ જ વચ્ચે રાહુલ ગાંધીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટ પહોંચીને અરજી દાખલ કરી. મોડી સાંજે સામે આવ્યું કે ઇન્ડિયા ગઠબંધનની આ અરજી સુનાવણી માટે લિસ્ટેડ થઈ શકી નથી. કારણ કે તેમાં 14 ક્ષતિઓ (ખામીઓ) પણ સામે આવી છે.
તેમાં ઘણા વિપક્ષી નેતાઓના વકાલતનામા પર સહી ન હોવી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓળખપત્રની સ્પષ્ટ નકલ ન હોવી અને કોર્ટ ફી ઓછી જમા કરાવવા જેવા વાંધાઓ સામેલ છે.
રજિસ્ટ્રીએ બંધારણના આર્ટિકલ 32 હેઠળ દાખલ કરાયેલી આ રિટ પિટિશનમાં ચૂંટણી કમિશનરોને અંગત રીતે પક્ષકાર (પ્રતિવાદી) બનાવવા સામે પણ સવાલ ઉઠાવ્યો છે. રજિસ્ટ્રીએ સ્પષ્ટતા માંગી છે કે આ પ્રકારની અરજીમાં વ્યક્તિગત ચૂંટણી કમિશનરોને પક્ષકાર શા માટે બનાવવામાં આવ્યા છે.
અખિલેશ યાદવ અને તેજસ્વી સહિત 9 નેતાઓના વકીલાતનામા પર સહી નહીં
1. સૌગત રોય
2. અખિલેશ યાદવ
3. તેજસ્વી યાદવ
4. સંજય રાઉત
5. એમ.બી.બેબી
6. ડી.રાજા
7. મહુઆ માઝી
8. સુપ્રિયા સુલે
9. ઇ.ટી. મોહમ્મદ બશીર
ખડગેના ઓળખપત્રની સ્પષ્ટ નકલ માંગી
સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓળખપત્રની સ્પષ્ટ અને વાંચી શકાય તેવી નકલ રજૂ કરવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત, અરજી દાખલ કરવા માટે જમા કરાવેલી કોર્ટ ફીમાં 220 રૂપિયા ઓછા હોવાનું જણાયું છે. રજિસ્ટ્રીએ અરજીનો આધાર બનાવવામાં આવેલા દસ્તાવેજોની નકલો સ્પષ્ટ ન હોવા અંગે પણ વાંધો ઉઠાવ્યો છે.