Tue Oct 13 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે: ફિક્સ ડિપોઝિટમાં ગયા વર્ષ કરતા  ચાર હજાર કરોડ રૂપિયાથી ઘટાડો

2026-10-13 08:45:00
Author: Sapna Desai
મુંબઈ મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ રહી છે: ફિક્સ ડિપોઝિટમાં ગયા વર્ષ કરતા  ચાર હજાર કરોડ રૂપિયાથી ઘટાડો


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીના ધીમે ધીમે તળિયાં દેખાવાં માંડ્યાં છે. દેશની અત્યંત શ્રીમંત ગણાતી પાલિકાની એક સમયે ફિક્સ ડિપોઝિટ ૯૧,૦૦૦ કરોડ રૂપિયા હતી, તેમાં ધીમે ધીમે ઘટાડો થઈને ચાલુ  નાણાકીય વર્ષની શરૂઆતમાં ૭૭,૦૦૦ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

મુંબઈ મહાનગરપાલિકાની કરોડો રૂપિયાની જુદી જુદી બેન્કોમાં ફિક્સ ડિપોઝિટ(એફડી) કરવામાં આવી છે. આ એફડીમાંથી જુદા જુદા માળખાકીય પ્રોજેક્ટ માટે  ભંડોળ ખર્ચવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એફડીમાંથી  ૨૮,૦૬૦ કરોડ રૂપિયા ઉપાડવામાં આવવાના છે,  જેમાંથી ૧૩,૭૬૫ કરોડ રૂપિયા કામચલાઉ આંતરિક લોન તરીકે લેવામાં આવશે, જ્યારે ૧૪,૨૯૫ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે વાપરવામાં આવશે. 

જાન્યુઆરી ૨૦૨૬ ના અંતે મહાનગરપાલિકા પાસે ૮૧,૪૪૯ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ હતી. જોકે નાણાકીય વર્ષ પૂરું થતાં જ એફડીમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો અને ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ એફડી  ઘટીને ૭૭,૯૦૫ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. પાલિકાનાં નાણાં વિભાગે આ અંગે સ્થાયી સમિતિને માહિતી આપી છે. ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતાં જ વધુ ઘટાડો થવાની શક્યતા છે.

પાલિકાના જુદા જુદા ડિપાર્ટમેન્ટની રકમની ફિક્સ ડિપોઝિટ વિવિધ બેંકોમાં છે. આ એફડી પર વિવિધ બેંકોના વ્યાજ દર પૂછીને સૌથી વધુ વ્યાજ દર આપતી બેંકોમાં રોકાણ કરવામાં આવે છે. કરોડો  રૂપિયાથી એફડી પરથી પાલિકાની નાણાકીય સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. સ્થાપના ખર્ચ અને નિવૃત્ત કર્મચારીઓને પાલિકાની આ ફિક્સ ડિપોઝિટમાંથી રકમ ચૂકવવામાં આવે છે. ઉપરાંત જુદા જુદા ડેવલપમેન્ટ વર્ક માટે પણ  કૉન્ટ્રાક્ટરો પાસેથી લેવામાં આવેલી રકમનોે પણ આ ડિપોઝિટમાં સમાવેશ થાય છે. 

કોરોના સમયગાળા પછી બાંધકામના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.. આનાથી બાંધકામ ક્ષેત્રને મોટા પાયે પ્રોત્સાહન મળ્યું અને માર્ચ ૨૦૨૨માં પાલિકાને ૧૪,૭૫૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આના કારણે માર્ચ ૨૦૨૨માં પાલિકાની ફિક્સ ડિપોઝિટ ૯૧,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી. જોકે ત્યારથી આ એફડીમાં ઘટાડો થવા લાગ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૬-૨૭ માટેનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે કુલ ૮૧,૦૦૦ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ હતી. જેમાંથી ૩૬,૬૨૩ કરોડ રૂપિયા પ્રોજેક્ટ માટે અનામત રાખવામાં આવ્યા છે. બજેટમાં જણાવાયું છે કે આમાંથી ૧૪,૨૯૫ કરોડ રૂપિયા નગરપાલિકાના વિવિધ પ્રોજેકટ માટે ઉપયોગમાં લેવાશે. સ્થાપના ખર્ચ અને નિવૃત્ત કર્મચારીઓના બાકી લેણાં પૂરા કરવા માટે ૪૪,૦૦૦ કરોડ રૂપિયાના અનામત ભંડોળમાંથી ૧૩,૭૬૫ કરોડ રૂપિયા કામચલાઉ આંતરિક લોન તરીકે લેવામાં આવશે. આવક આવતાં આ લોનને ફિક્સ ડિપોઝિટમાં ફરીથી રોકાણ કરવામાં આવશે. તેથી આને આંતરિક લોન તરીકે લેવામાં આવશે.