Tue Oct 13 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ તહેવારમાં ચમકદાર ત્વચા બનાવવી હોય તો અત્યારથી જ ખાઓ સૂકી ખારેક

2026-10-13 08:42:00
Author: Srilekha Yagnik
સ્વાસ્થ્ય સુધાઃ તહેવારમાં ચમકદાર ત્વચા બનાવવી હોય તો અત્યારથી જ ખાઓ સૂકી ખારેક

 

શ્રીલેખા યાજ્ઞિક

કુદરતની અણમોલ ભેટ તરીકે ઓળખાય છે ‘સૂકી ખારેક’. ઈતિહાસકારો દ્વારા ખારેકને સૌથી પ્રાચીન ખેતીવાળું ફળ ગણવામાં આવે છે. ખજૂરને સૂકવીને ખારેક તૈયાર કરવામાં આવે છે. જેને કારણે ખારેક લાંબા સમય સુધી સારી રહે છે. તેને હિન્દીમાં ‘છુઆરા’ તરીકે ઓળખવામાં આવે છે. ભારત તેમ જ મધ્યપૂર્વીય સંસ્કૃતિમાં તે ઘણાં જ પ્રખ્યાત છે. હવે તો એશિયા, અમેરિકા તેમ જ મેક્સિકોમાં મોટા પ્રમાણમાં તેની ખેતી કરવામાં આવે છે. તાડનાં વૃક્ષો ઉપર મોટા ઝૂમખાંમાં તે ઊગતાં હોય છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ઘણો જ કરવામાં આવે છે. જે વાનગીને સ્વાદિષ્ટ બનાવી દે છે.

જેમાં સૌ પ્રથમ ગુજરાતમાં યોજાતાં લગ્ન સમારંભોમાં સ્વાદિષ્ટ તુવેરની દાળ પીરસવામાં આવે છે તેમાં સૂકી ખારેકનો ઉપયોગ અચૂક કરવામાં આવતો હોય છે. સૂકી ખારેકનો ઉપયોગ કૅક, મિલ્કશૅક, મોદક વગેરેમાં ખાસ કરવામાં આવે છે. વળી સૂકી ખારેકને કેરી કે લીંબુના પાણીમાં પલાળીને થોડી સૂકવવામાં આવે છે ત્યારબાદ તેમાં ખાસ પ્રકારનો મસાલો ભરવામાં આવે છે. જે ચૂરણ તરીકે ઓળખાય છે. આમ મસાલેદાર ખારેક તૈયાર કરવામાં આવે છે. ખારેક વિવિધ પ્રકારની જોવા મળે છે. જેમ કે મેડજૂલ, ડિગલેટ નૂર તેમ જ જાહિદી. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબરની સાથે કૅલ્શ્યિમ, મેગ્નેશિયમ, આયર્ન, તેમજ પોટેશિયમની માત્રા સમાયેલી હોય છે. 

ખારેકના સ્વાસ્થ્યવર્ધક લાભ

ગર્ભાવસ્થામાં ગુણકારી : ગર્ભાવસ્થા દરમિયાન અનેક વખત સગર્ભાને કબજિયાતની તકલીફ થતી હોય છે. આવા સંજોગોમાં ફાઈબરયુક્ત આહાર તંદુરસ્તીને જાળવવામાં મદદરૂપ બને છે. એવું પણ જાણવા મળે છે કે ગર્ભાવસ્થાની પ્રાકૃતિક પ્રસવ પીડાને ઘટાડવામાં ખારેકનો આહારમાં ઉપયોગ ગુણકારી ગણાય છે. 

શક્તિવર્ધક : અનેક યુવાવર્ગને આજકાલ થોડું કામ કરવાથી થાકડો લાગી જતો હોય છે. જેની સામે વરિષ્ઠ વ્યક્તિ પોતાનું કામ સરળતાથી કરવા સક્ષમ હોય છે. તેનું મુખ્ય કારણ છે આહાર. બહારનું ચટપટું, તીખું મસાલેદાર ભોજન ધીમે ધીમે શરીરની શક્તિઓને ક્ષીણ કરે છે. જ્યારે ઘરનું પૌષ્ટિક ભોજન શરીરને માટે શક્તિવર્ધક ગણાય છે. જેમાં વિસરાતી જતી ખારેકનો ઉપયોગ મહત્ત્વનો છે. ખારેકમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે વ્યક્તિની રોજિંદી આયર્નની આવશ્યક્તા પૂર્ણ કરે છે. ફાઈબરની સાથે આયર્ન, કાર્બોહાઈડ્રેટ શરીરને ઊર્જાવાન બનાવવામાં મદદ કરે છે. જ્યારે વ્યક્તિ થોડો શ્રમ કરવાથી પણ થાકી જતો હોય તેવા સંજોગોમાં તેને ખારેકનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ. 

રોગપ્રતિકારશક્તિ વધારે છે : ખારેકમાં રોગ વિરોધી ગુણો સમાયેલાં હોય છે. મોસમમાં બદલાવની અસર સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. તેનાથી બચવા આહારમાં ખારેકનું સેવન ખાસ કરવાની સલાહ નિષ્ણાત આયુર્વેદાચાર્યો દ્વારા આપવામાં આવે છે. જેને કારણે તાવ-શરદી-ઉધરસ-નબળાઈ જેવી સમસ્યાથી રાહત મેળવી શકાય.

તેનું મુખ્ય કારણ છે તેમાં વિટામિન સી, વિટામિન એ તેમ જ વિભિન્ન પ્રકારના ઍન્ટિ-ઓક્સિડન્ટની સાથે આવશ્યક વિટામિન તેમ જ ખનીજ સમાયેલાં હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. હાનિકારક ફ્રિ-રેડિકલ્સને બેઅસર કરીને સોજાંને ઘટાડે છે. ઝિંક તેમ જ સેલેનિયમ જેવાં ખનીજ શ્ર્વેત રક્ત કોશિકાઓના ઉત્પાદનને વધારી દે છે. 

રક્તશર્કરાને નિયંત્રિત કરવામાં મદદરૂપ: ખારેકમાં પ્રાકૃતિક મીઠાશ સમાયેલી હોય છે. તેમ છતાં તેનું સેવન ડાયાબિટીસની વ્યાધિ ધરાવતી વ્યક્તિ માટે ગુણકારી ગણાય છે. કેમ કે ખારેકનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જેને કારણે તે રક્તશર્કરામાં અચાનક વૃદ્ધિને બદલે ધીમેધીમે વધારે છે. વળી ખારેકમાં ફાઈબરની માત્રા અધિક છે. જે રક્તશર્કરાના અવશોષણને ધીમું કરી દે છે. જેને કારણે લોહીમાં રક્ત શર્કરાનું સ્તર જળવાઈ રહે છે. 

ખારેકમાં મેગ્નેશિયમ હોય છે. જે ઈન્સ્યુલિન નિયમન તેમજ ગ્લુકૉઝના ચયાપચયમાં ઉપયોગી બને છે. ડાયાબિટીસનું પ્રમાણ વધુ હોય તેવી વ્યક્તિએ પ્રમાણભાન રાખીને ખારેકનું સેવન કરવું જરૂરી છે. કેમ કે ઝડપથી શર્કરાની માત્રામાં વધ-ઘટ વગર આવશ્યક પોષક તત્ત્વો શરીરને આપે છે. 

ત્વચાને માટે અતિગુણકારી : ખારેકમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ, વિટામિન તેમ જ ખનીજ ભરપૂર માત્રામાં સમાયેલાં હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવાની સાથે મુલાયમ બનાવવામાં મદદ કરે છે. ખારેકમાં રહેલું વિટામિન એ ત્વચાની ભીનાશ જાળવી રાખવામાં તેમ જ ત્વચાનું સૂકાઈ જવું કે વધુ પડતી કરચલી દેખાવા લાગવી જેવી સમસ્યાથી બચાવે છે. વિટામિન સી તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટ ફ્રી રેડિકલ્સની સામે લડવામાં મદદ કરે છે. વધતી વયની સાથે દેખાંતા વિવિધ લક્ષણોથી બચી શકાય છે. 

ઍનિમિયાથી બચાવે છે : ખારેકમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. જે લાલ રક્તકોશિકામાં હિમોગ્લોબીનના ઉત્પાદન માટે આવશ્યક ગણાય છે. પૂરતાં પ્રમાણમાં આયર્નનું સેવન શરીરમાં અચાનક કમજોરી કે થાક લાગી જવાની તકલીફ કે ઑક્સિજનની ઊણપની સમસ્યાથી બચાવે છે. ખારેકનો આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી શરીર ઊર્જાવાન બનવાની સાથે લોહીની ગુણવત્તામાં સુધારો કરે છે. સમગ્ર સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. તેમાં પણ જેમને આયર્નની ઊણપ વધુ પ્રમાણમાં હોય તેમને માટે ખારેક એક પ્રાકૃતિક ઉપાય ગણાવી શકાય.

હાડકાંની મજબૂતી વધારે છે : ખારેક કૅલ્શ્યિમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ તેમ જ પોટેશિયમ જેવાં ખનીજથી સમૃદ્ધ છે. જે હાડકાંને મજબૂતાઈ બક્ષવામાં તેમજ તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખનીજ હાડકાંનું ઘનત્ત્વ વધારવાની સાથે ઓસ્ટિયોપોરોસિસ જેવાં હાડકાં સંબંધિત વિકારોથી રાહત આપવામાં મદદ કરે છે. હાડકાં બરડ ના બને તેવું ઈચ્છતાં પ્રત્યેક વ્યક્તિએ વિસરાઈ જતી ખારેકનું સેવન અવશ્ય પ્રમાણભાન રાખીને નિયમિત કરવું જોઈએ. 

હૃદયની તંદુરસ્તી વધારવામાં મદદરૂપ : ખારેકમાં પોટેશિયમ, મેગ્નેશિયમ સમાયેલાં છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ખારેકમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે જે એલડીએલ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે નસોમાં કચરો જમા થવો કે લોહી ગંઠાઈ જવાનો ખતરો ઓછો રહે છે. ખારેકનું સેવન કરવાથી ઍન્ટિ-ઓક્સિડન્ટ હૃદયને ઓક્સિડેટિવ તણાવથી તેમ જ સોજાથી બચાવે છે. જેને કારણે હૃદયનું કામ સુચારું રીતે થાય છે. લોહીનું પરિભ્રમણ સુધારવાની સાથે તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. 

ખારેકનો ઉપયોગ કરીને વિવિધ ખાટાં-મીઠાં વ્યંજનો બનાવી શકાય છે. જેમ કે ખારેકનો હલવો, ખારેકની કૅક, ખારેકના લાડુ, માવા ખારેક અને મસાલા ખારેક.

આજે આપણે તહેવારોમાં ખાસ બનાવી શકાય તેમજ નવરાત્રિમાં માતાજીને ભોગ લગાવી શકાય તેવી માવા ખારેક બનાવવાની રીત જોઈશું.

માવા ખારેક 

સામગ્રી : 10 નંગ માવા ખારેક, 1 ગ્લાસ ગુલાબજળ, 1 નાની વાટકી મોળો માવો, 1 મોટી ચમચી મિલ્કમૅડ, 1 ચમચી બુરૂ ખાંડ, 3 ચમચી બદામનો ભૂકો, 3 ચમચી પિસ્તાની પાતળી કતરણ, 2 ચમચી કાજુના ઝીણાં ટુકડા, 3 ચમચી કિસમિસ, 1 નાની ચમચી એલચી-જાયફળનો ભૂકો, 3-4 નંગ કેસરના તાંતણા. 2 ચમચી સૂકું કોપરૂ. 1 નાની ચમચી બદામ-પિસ્તાની કતરણ સજાવટ માટે.

બનાવવાની રીત : સૌ પ્રથમ ખારેકને ગુલાબજળમાં રાત્રે પલાળીને રાખવી. સવારના ખારેક બરાબર પલળીને મુલાયમ બની ગઈ હશે. ખારેક બરાબર પલળી જાય ત્યારબાદ તેમાં વચ્ચેથી કાપો મૂકીને બીજ કાઢી લેવાં. એક કડાઈમાં મોળો માવો લેવો. તેમાં બદામનો ભૂકો તેમજ પિસ્તાની કતરણ ભેળવવી. માવાને ધીમા તાપે શેકી લેવો. સોનેરી થાય એટલે આંચ બંધ કરી લેવી. 

તેમાં સૂકું કોપરૂ, મિલ્કમેડ, કેસરનાં તાંતણાં, એલચી-જાયફળનો ભૂકો ભેળવવો. સ્વાદાનુસાર બુરૂ ખાંડ ભેળવવી. મિશ્રણને બરાબર ભેળવવું. મિશ્રણ ઠંડું થાય ત્યારબાદ ખારેકમાં ભરી દેવું. ઉપરથી બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ભોગ લગાવવો. માવા ખારેક માતાજીના પ્રસાદમાં સમૂહમાં થતાં રાસ-ગરબામાં ધરાવી શકાય છે.