(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રાન્સપોર્ટ પરમિટ હાજી અલી બેકફિલિંગ માટે ખાનગી બાંધકામ સ્થળેથી ખોદવામાં આવેલી માટીનો ઉપયોગ કરવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) પ્રોજેક્ટના કૉન્ટ્રેક્ટરને કારણદર્શક નોટિસ ફટકારી છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ કૉન્ટ્રેક્ટરે પાલિકાની મંજૂરી ન મળે ત્યાં સુધી અનધિકૃત સામગ્રીનો ઉપયોગ અટકાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પાલિકાએ કૉન્ટ્રેક્ટરને ૭૨ કલાકનો સમય આપ્યો છે કે શા માટે તેના ખર્ચે અનધિકૃત સામગ્રી દૂર ન કરવી જોઈએ અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવે એવો સવાલ નોટિસના માધ્યમથી કર્યો છે. પહેલી ઑક્ટોબરના રોજ પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાજી અલી અને પીડીપી ગાર્ડન વચ્ચેના દરિયાકાંઠાના પટ પર કરવામાં આવેલા નિરીક્ષણ બાદ આ નોટિસ આપવામાં આવી છે. પાલિકાની ટીમને મુંબઈભરમાં ખાનગી બાંધકામ સ્થળોએથી કથિત રીતે બેકફિલિંગ સામગ્રી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ડેવલપર્સ અને ટ્રાન્સપોર્ટરો ખોદવામાં આવેલી સામગ્રીના પરિવહન માટે ફરજિયાત પરમિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા, ટેન્ડરની શરતોનું ઉલ્લંંઘન કરીને બેકફિલિંગ સામગ્રી ફક્ત અધિકૃત ખાણો અથવા માન્ય સપ્લાયર્સ પાસેથી જ મેળવવાની જરૂર હતી. આ નોટિસમાં ૨૦૧૬ અને ૨૦૨૫ ના બાંધકામ અને ડિમોલિશન કચરા વ્યવસ્થાપન નિયમો, માટી અને કાટમાળના ગેરકાયદેસર પરિવહન અંગે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો, અને પ્રોજેક્ટના કરારની શરતો અને ટૅક્નિકલ સ્પષ્ટીકરણોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાલિકા પ્રશાસને કૉન્ટ્રેક્ટર પાસેથી સ્રોત વિગતો, પરિવહન પરમિટ, રોયલ્ટી ચલણ, જિઓટેનિકલક ટેસ્ટ અહેવાલો સહિતના રેકોર્ડ માંગ્યા છે. ૭૨ કલાકની અંદર સંતોષકારક જવાબ રજૂ કરવામાં નિષ્ફળતા નોટિસ વિના આગળની કાર્યવાહીને આમંત્રણ આપી શકે છે. પાલિકાના અધિકારીઓને ફરજિયાત પરમિટ વિના બાંધકામ કાટમાળનું પરિવહન કરતા ખાનગી વિકાસકર્તાઓ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.