Tue Oct 13 2026

Logo

ભારતની રફતાર પર દુનિયાને ભરોસો- IMFએ વધાર્યું ગ્રોથ અનુમાન, 2026માં 7% રહેશે GDP

2026-10-13 12:14:00
Author: Mumbai Samachar Team
ભારતની રફતાર પર દુનિયાને ભરોસો- IMFએ વધાર્યું ગ્રોથ અનુમાન, 2026માં 7% રહેશે GDP

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા ભારતના અર્થતંત્રને લઈને એક ખૂબ જ શાનદાર અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. IMFએ પોતાના નવા રિપોર્ટમાં વર્ષ 2026 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.4 ટકાથી સીધું વધારીને 7 ટકા કરી દીધું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો છતાં ભારતીય બજાર જે રીતે મજબૂતાઈથી અડીખમ ઊભું છે, તેણે વિશ્વભરના અર્થશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે.   

સ્થાનિક માંગે પૂરી પાડી નવી તાકાત

IMFના ઑક્ટોબર 2026ના ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક’ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ભારત સૌથી અલગ તરી આવે છે. જુલાઈ મહિનામાં જે અનુમાન 6.4 ટકા હતું, તેમાં 0.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો એપ્રિલના અંદાજ સાથે સરખામણી કરીએ તો તેમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ વર્ષ 2027 માટે પણ વૃદ્ધિ દરનું અનુમાન 7 ટકા રાખવામાં આવ્યું છે.  

ચીન પસ્ત ભારત મસ્ત

વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ચીન હાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. IMF અનુસાર, વર્ષ 2026માં ચીનનો વિકાસ દર ઘટીને 4.5 ટકા પર આવી જશે. 2027માં આ આંકડો ગગડીને 4 ટકા સુધી પહોંચી જવાનું અનુમાન છે. લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાએ ચીનના બજારને પ્રભાવિત કર્યું છે. માત્ર ચીન જ નહીં, વૈશ્વિક વૃદ્ધિ દર પણ 2026માં 3.1 ટકા અને 2027માં 3.4 ટકા સુધી સીમિત રહેવાની ધારણા છે. ઉભરતા એશિયન દેશોનો ગ્રોથ પણ 2025ના 5.6 ટકાથી ઘટીને 2026માં 5.1 ટકા રહેવાની શક્યતા છે.

વર્લ્ડ બેંકનો પણ ભારત પર ભરોસો

ફક્ત IMF જ નહીં, બાકી વૈશ્વિક સંસ્થાઓ પણ ભારતને લઇને સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે. વર્લ્ડ બેંકે પણ તેના હાલના રિપોર્ટમાં ઘરેલુ વપરાશને ભારતની સૌથી મોટી તાકાત ગણાવી છે. 2028 થી 2031 વચ્ચે જ્યાં ગ્લોબલ આઉટપુટની એવરેજ 3.2 ટકા રહેવાનું અનુમાન છે, જે મહામારી પહેલા 3.7 ટકા હતી.