Tue Oct 13 2026

Logo

કચ્છ ડાક વિભાગનું ઐતિહાસિક વિભાજન: ગાંધીધામ નવું પોસ્ટલ ડિવિઝન બન્યું,નલિયા-રાપર નવાં સબ ડિવિઝન

2026-10-13 11:06:00
Author: Mumbai Samachar Team
કચ્છ ડાક વિભાગનું ઐતિહાસિક વિભાજન: ગાંધીધામ નવું પોસ્ટલ ડિવિઝન બન્યું,નલિયા-રાપર નવાં સબ ડિવિઝન

Ai Image


ભુજઃ ભૌગોલિક રીતે દેશના સૌથી મોટા સરહદી કચ્છ જિલ્લામાં ટપાલ સેવાઓના સુચારુ સંચાલન માટે લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સુખદ અંત આવ્યો હતો. કેન્દ્રીય ડાક વિભાગ દ્વારા કચ્છ પોસ્ટલ ડિવિઝનના વિભાજનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જેના પગલે હવે ગાંધીધામને અલગ અને નવું પોસ્ટલ ડિવિઝન બનાવવામાં આવ્યું હતું.

ડાક વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત પરિમંડળમાં વહીવટી સુધારણાના ભાગરૂપે અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલી બનાવવામાં આવ્યા છે. જેમાં કચ્છ જિલ્લાના હાલના એકમાત્ર પોસ્ટલ ડિવિઝનનું વિભાજન કરી અલગ ‘ગાંધીધામ ડિવિઝન’ રચવાનો ઐતિહાસિક નિર્ણય સામેલ છે. નવા માળખા અનુસાર, સબ ડિવિઝન સ્તરે પણ મોટા ફેરફારો કરાયા છે.

 ભુજ પશ્ચિમ અને ભુજ પૂર્વ એમ બંને સબ ડિવિઝનનું વિલીનીકરણ કરીને હવે એક જ ‘ભુજ સબ ડિવિઝન’ અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત, પશ્ચિમ કચ્છમાં નખત્રાણામાંથી અલગ કરીને નવું ‘નલિયા સબ ડિવિઝન’ તેમજ વાગડ વિસ્તારમાં ભચાઉમાંથી અલગ કરીને નવું ‘રાપર સબ ડિવિઝન’ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સ્તરે અન્ય નિર્ણયોમાં દક્ષિણ ગુજરાત માટે નવું સુરત રિજન તથા અમદાવાદમાં હેરિટેજ સિટી પોસ્ટલ ડિવિઝનની રચના કરવા સહિતનાં પગલાં પણ લેવાયાં છે.

વિભાગીય સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છમાં હવે બે અલગ-અલગ પોસ્ટલ ડિવિઝન કાર્યરત થવા છતાં હાલ તુરંત કોઈ મોટો વધારાનો સ્ટાફ ફાળવવામાં આવશે નહીં, પરંતુ વહીવટી સુચારુ સંચાલન માટે બેથી ત્રણ મહત્વની નવી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવે તેવી શક્યતા છે. કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત વિશાળ વિસ્તાર ધરાવતો હોવાથી, આ વિભાજન બાદ ટપાલ સેવાઓ, પાર્સલ ડિલિવરી તેમજ બેંકિંગ-વીમા સંલગ્ન સેવાઓના સંચાલનમાં પ્રજા અને તંત્ર બંનેને વહીવટી સાનુકૂળતા રહેશે. 

(ઉત્સવ વૈદ્ય)