Tue Oct 13 2026

Logo

માતાના મઢ પદયાત્રા માર્ગ પર વહીવટી તંત્રનું મહાસફાઈ અભિયાન: 24 કલાકમાં સફાઇ આટોપી લેવા તાકીદ

2026-10-13 10:51:00
Author: Mumbai Samachar Team
માતાના મઢ પદયાત્રા માર્ગ પર વહીવટી તંત્રનું મહાસફાઈ અભિયાન: 24 કલાકમાં સફાઇ આટોપી લેવા તાકીદ

સેવા કેમ્પો પૂર્ણ થતાં શ્રેષ્ઠ સ્વચ્છતા જાળવનારા 5 કેમ્પોનું કરાશે સન્માન

ભુજ: આસો નવરાત્રિ પર્વે આઈ મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે દર્શનાર્થે ઊમટેલા લાખો પદયાત્રીઓનો પ્રવાહ પૂર્ણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા સેવા સાથે સ્વચ્છતાનું અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. પદયાત્રા માર્ગ પર ઊભા કરાયેલા વિશાળ સેવા કેમ્પો અને તેની આસપાસ ફેલાયેલા કચરાના નિકાલ માટે નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકામાં ૨૦ તથા લખપત તાલુકામાં ૫ વિશેષ ટુકડીઓ  બનાવી ૨૪ કલાકની અંદર સમગ્ર સફાઈ કામગીરી સંપન્ન કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

માતાના મઢ તરફ જતા ધોરીમાર્ગ પર દેશલપરથી લઈને માતાના મઢ સુધી વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ભોજન, રહેઠાણ અને પ્રાથમિક સારવાર સહિતના અસંખ્ય કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા હતા. યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હાઈવે અને કેમ્પ પરિસરની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા સુનિયોજિત એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

નખત્રાણા મામલતદાર હેઠળ રચાયેલી ૨૦ ટુકડીઓને દેશલપરથી લીફરી સુધીના માર્ગ પર કેમ્પોની આસપાસના ૧૦૦ મીટરના પરિઘમાં સફાઈ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ અને કર્મચારીઓને કેમ્પ પૂર્ણ થયાના ચોવીસ કલાકમાં જ કચરાનો યોગ્ય નિકાલ કરાવી માર્ગ પૂર્વવત્ સ્વચ્છ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ, લખપત મામલતદાર દ્વારા ગઠિત કરાયેલી ૫ ટુકડીઓ માતાના મઢ તેમજ આસપાસના સેવા કેમ્પોના ૫૦૦ મીટર સુધીના વિસ્તારની સફાઈનું સીધું મોનિટરિંગ કરી રહી છે. તંત્ર દ્વારા દરેક કેમ્પ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનમાં કેમ્પ સંચાલકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે સભાનતા અને તંદુરસ્ત સ્પર્ધા કેળવાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે; સમગ્ર પદયાત્રા માર્ગ પર સ્વચ્છતાના આકરા માપદંડો પૂર્ણ કરી શ્રેષ્ઠ સુઘડતા જાળવનારા ટોચના પાંચ સેવા કેમ્પોને વહીવટી તંત્ર તરફથી વિશેષ સન્માનિત કરવામાં આવશે. ધાર્મિક આસ્થાના આ પવિત્ર પથ પર શરૂ થયેલી સફાઈ ઝુંબેશની સ્થાનિક નાગરિકો અને માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

ઉત્સવ વૈદ્ય