Tue Oct 13 2026

Logo

રુ.265 કરોડના મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો ફરાર આરોપી રાપરના સણવાથી ઝડપાયો: પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમને સફળતા

2026-10-13 13:46:00
Author: Mumbai Samachar Team
રુ.265 કરોડના મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો ફરાર આરોપી રાપરના સણવાથી ઝડપાયો: પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમને સફળતા

ભુજ: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરાયેલા ‘મિશન ફ્યુઝિટિવ’ અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મોટી સફળતા સાંપડી છે. દેશવ્યાપી સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા રૂપિયા 265 કરોડના મ્યુલ એકાઉન્ટના ચકચારી કૌભાંડમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી હાર્દિક ઉર્ફે લાલો હરેશ રાજગોર (રહે. સણવા, તા. રાપર)ને સાયબર પોલીસે ઝડપી પાડ્યો છે.

પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરની આગેવાની હેઠળની ટુકડીએ ફરાર આરોપીઓની યાદી તૈયાર કરી સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલા ચોક્કસ ઇનપુટ્સના આધારે વર્કઆઉટ કરી, સીમાવર્તી રાપર તાલુકાના સણવા ગામેથી આરોપી હાર્દિક ઉર્ફે લાલાને કોર્ડન કરી દબોચી લેવામાં આવ્યો હતો.

પકડાયેલો આરોપી સાયબર ગુનેગારોને ગેરકાયદે નાણાકીય વ્યવહારો માટે ભાડે કે કમિશન પર અપાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ મારફતે થયેલી રૂપિયા 265 કરોડની તોતિંગ હેરાફેરીના ગંભીર કેસમાં સંડોવાયેલો હતો અને પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.

આરોપી વિરુદ્ધ પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ સંગીન કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં દેશના અન્ય કયા-કયા સાયબર માફિયાઓ જોડાયેલા છે અને કેટલાં બોગસ બેંક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા, તે દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય