નવી દિલ્હીઃ રાજધાનીમાં ચાલતા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનારી માહિતી અને અફવાઓ ફેલાવવા બદલ દિલ્હી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી પોલીસે એક સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. આ હેન્ડલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની રેલીમાં પોલીસ ગોળીબાર અંગે ખોટી માહિતી ફેલાવતી પોસ્ટ કરી હતી.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર કથિત રીતે ખોટી જાણકારી અને અફવા ફેલાવવાને લઈને દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આશરે 300 પોસ્ટ હટાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ પોસ્ટ મારફતે કથિત રીતે ખોટી જાણકારી ફેલાવવા અને લોકો વચ્ચે અશાંતિ પેદા થવાની આશંકા હતી.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજધાનીમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે ખોટી માહિતી ફેલાવવાને રોકવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે. અફવાઓ ફેલાવવા અથવા જાહેર અશાંતિ ફેલાવવાના હેતુથી લગભગ ૩૦૦ પોસ્ટ્સ દૂર કરવામાં આવી છે.
આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની રેલી પર ફાયરિંગ કર્યું હતું જેમાં પાંચ કાર્યકરો માર્યા ગયા હતા, અને લોકોને રસ્તાઓ પર ઉતરવા અને દિલ્હીને બ્લોક કરવાની અપીલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવાયો હતો કે પરિસ્થિતિ બગડી રહી છે અને તણાવ વધી રહ્યો છે.
‘એક્સ’ પર એક પોસ્ટમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઈન્ડિયાતિવારી01 નામના હેન્ડલનો લોકોને ગેરમાર્ગે દોરવા માટે નકલી મીડિયા રિપોર્ટ, જૂના ફૂટેજ અને બનાવટી સ્ટોરી શેર કરવાનો રેકોર્ડ રહ્યો છે. આ અફવા પર વિશ્વાસ કરશો નહીં અથવા તેને અન્ય સાથે શેર કરશો નહીં. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવી એ સજાપાત્ર ગુનો છે અને હેન્ડલ સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે પોલીસે એક 24 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી તેના પર આરોપ હતો કે તેણે એઆઈનો ઉપયોગ કરીને એક વીડિયો બનાવ્યો અને ફેલાવ્યો હતો. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસ અધિકારીને એક મહિલા પત્રકારનું જાતીય શોષણ કરતો દર્શાવવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે નદીમ અહેમદ નામના આરોપીએ કથિત રીતે આ વીડિયો ફેલાવ્યો હતો જેમાં પોલીસ કર્મચારીને વાંધાજનક રીતે દર્શાવવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી વાંધાજનક અને કથિત રીતે ભ્રામક કન્ટેન્ટને હટાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’નો પણ સંપર્ક કર્યો છે.