Tue Oct 13 2026

Logo

દુકાનદારોને સરકારે આપી મોટી 'રાહત': 15મી ઓક્ટોબરથી લાગુ નહીં થાય યુપીઆઈ પર એમડીઆર ચાર્જ...

2026-10-13 15:33:01
Author: Mumbai Samachar Team
દુકાનદારોને સરકારે આપી મોટી 'રાહત': 15મી ઓક્ટોબરથી લાગુ નહીં થાય યુપીઆઈ પર એમડીઆર ચાર્જ...

નવી દિલ્હીઃ ચૂંટણી પંચની કામગીરી અને એસઆઈઆર વિવાદમાં ઘેરાયેલી કેન્દ્ર સરકારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) પર ચાર્જ લાગુ કરવાના નિર્ણયમાં પંદરમી ઓક્ટોબર પૂર્વે સૌથી મોટી પીછેહઠ કરી છે, જે રેટ હવે દિવાળી સુધી મુલતવી રાખ્યો છે, જેને લઈ વેપારીઓની સાથે ગ્રાહકોને સૌથી મોટી રાહત મળી છે. દશેરા અને દિવાળી પૂર્વે સરકારે નિર્ણય લઈને સૌથી મોટો યુ-ટર્ન લીધો છે.

આ અગાઉ સરકારે 2,000 રુપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.40 ટકા એમડીઆર ચાર્જ લેવાની જાહેરાત કરી છે, જે પંદરમી ઓક્ટોબરથી લાગુ થવાની હતી. સરકારનો યુ-ટર્ન વેપારીઓ માટે સૌથી મહત્ત્વનો નિર્ણય માનવામાં આવે છે. તહેવારોની સિઝનમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ એમડીઆર ચાર્જ દિવાળી સુધી ટાળવાનો નિર્ણય લીધો છે, જે કરોડો વેપારીઓએ મોટી રાહતસમાન છે.

નવેમ્બરના બીજા સપ્તાહ પછી નિર્ણય લઈ શકાય
એનપીસીઆઈ દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુપીઆઈનું સંચાલન કરે છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પર્સન ટૂ પર્સન (પીટુએમ) ટ્રાન્ઝેક્શન ચાર્જને રોકી દેવામાં આવ્યો છે. નવી તારીખની જાહેરાત પછીથી કરવામાં આવશે એવું પણ માનવામાં આવે છે કે દિવાળી પછી નવેમ્બરના બીજા સપ્તાહ પછી કોઈ મટોો નિર્ણય લઈ શકાય છે.

તહેવારોની સિઝનમાં વેપારીઓની મોટી રાહત
મર્ચંટ બોડીઝથી લઈને ફિનટેક કંપનીઓ સુધી આ નવા ચાર્જનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને એમનું કહેવું હતું કે તહેવારોની સિઝનમાં તેની સીધી અસર વેચાણ પર પડશે. બજારમાં અત્યારે મોંઘવારીનો વધારો થયો છે. દરેક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે તહેવારોમાં વેપારીઓને એમડીઆર ચાર્જથી વધુ નુકસાન થઈ શકે છે. વેપારીઓ પર એમડીઆરનું ભારણ વધ્યું તો તેની સીધી અસર પણ ગ્રાહકો પર પડી હતી, તેથી આ ચાર્જ મુલતવી રાખવાથી વેપારીઓની સાથે ગ્રાહકોને પણ ફાયદો થયો હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું.

અગાઉ નાણા પ્રધાને ચાર્જ અંગે સંકેત આપ્યા હતા
ગયા મહિના દરમિયાન યુપીઆઈ સંચાલન સમિતિએ જણાવ્યું છે કે 2000 રુપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એમડીઆર લેવામાં આવશે. જો તમે યુપીઆઈ મારફત કોઈ વેપારીને 2,000 રુપિયાનું પેમેન્ટ કરો છો તો વેપારીએ 0.4 ટકા તેનો ચાર્જ આપવાનો રહેશે, ત્યાર પછી 10,000 રુપિયા સુધીના પેમેન્ટમાં 40 રુપિયા આપવાના રહેશે. આ ફી ડિજિટલ પેમેન્ટને પ્રોસેસ કરવાને બદલે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવે છે. આઠમી ઓક્ટોબરના નાણા પ્રધાને પણ સ્પષ્ટ કર્યું હતું કે યુપીઆઈ લેણદેણ મુદ્દે એમડીઆર વિવાદ સ્ટેકહોલ્ડર્સ અંદરોઅંદર વાતચીત કરીને ઉકેલ લાવી શકે છે. આ નિર્ણય પેમેન્ટ ઈકોસિસ્ટમ પર છોડી દેવામાં આવ્યો હતો, હવે જોવાનું રહેશે કે ક્યારે નિર્ણય લેવામાં આવે છે.

દેશમાં આશરે 10 કરોડ વેપારીઓ યુપીઆઈથી લે છે પેમેન્ટ્સ
યુપીઆઈ પર ચાર્જ લગાવવાનું પણ મુશ્કેલ છે. દેશમાં આશરે 1.1 કરોડ ટર્મિનલ્સ પર કાર્ડ મારફત પેમેન્ટ કરવામાં આવે છે, જ્યારે યુપીઆઈનું નેટવર્ક સૌથી મોટું છે. દેશના આશરે 10 કરોડ મર્ચંટ્સ યુપીઆઈથી પેમેન્ટ લઈ રહ્યા છે, જેમાં નાના ગામડાઓથી લઈને નાના શહેરોના વેપારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, યુપીઆઈ પર પણ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રેટ્સ લાગુ કરવામાં આવ્યા છે.

તહેવારોમાં ખરીદી પર બ્રેક નહીં મારવાનો મુખ્ય ઉદ્દેશ
એનપીસીઆઈની યુપીઆઈ એન્ડ સર્વિસિસ સ્ટિયરિંગ કમિટીએ નક્કી કર્યું છે કે પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ (પીટૂએમ) વ્યવહારો પર એમડીઆર દિવાળી બાદ તરત જ લાગુ કરવામાં આવશે. જોકે, આ ચાર્જ કઈ ચોક્કસ તારીખથી લાગુ થશે તેની જાહેરાત અલગથી કરવામાં આવશે. તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી વધે છે અને ગ્રાહકો ડિજિટલ પેમેન્ટનો મોટાપાયે ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં વેપારીઓ પર નવા ચાર્જનો તાત્કાલિક બોજ ન પડે તે માટે અમલ કરવાનો નિર્ણય હાલમાં મુલતવી રાખ્યો છે.

એમડીઆર એટલે શું
એમડીઆરનું પૂરું નામ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ છે. આ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ વેપારી પાસેથી લેવામાં આવતી ફી છે, જે સામાન્ય રીતે બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સાથે જોડાયેલી કંપનીઓને મળે છે. પ્રસ્તાવિત નિયમ મુજબ, વેપારીઓને કરવામાં આવતા ₹ 2,000થી વધુના પસંદગીના યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા એમડીઆર લાગુ થઈ શકે છે. જોકે, ₹ 75,000 કે તેથી વધુના વ્યવહારો માટે આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹ 300 સુધી મર્યાદિત રાખવાની જોગવાઈ છે. 

દિવાળી બાદ આ નિયમ લાગુ થવાની તારીખ જાહેર થયા પછી વેપારીઓ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સે તે મુજબ પોતાની બિલિંગ સિસ્ટમ અને સોફ્ટવેરમાં જરૂરી ફેરફારો કરવા પડશે. ત્યાં સુધી ગ્રાહકો યુપીઆઈ મારફતે રોજિંદા વ્યવહારો કરી શકશે અને પસંદગીના વેપારી વ્યવહારો પર એમડીઆર લાગુ કરવાની પ્રક્રિયા માટે વધુ સમય મળશે.