વિપક્ષી પક્ષોનું ‘ઇન્ડિયા’ ગઠબંધન આજે ફરી એકવાર સાથે બેસશે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજના બનાવશે. રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને ચાય પે ચર્ચા માટે બોલાવ્યા છે. ત્યારબાદ તમામ નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરશે.
આ અગાઉ સોમવારે (12 ઓક્ટોબર) રાહુલ ગાંધીએ દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કાઢી હતી અને અરજી દાખલ કરી હતી. આ મામલે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
કયા પક્ષોએ અરજી દાખલ કરી?
રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત વિવિધ પક્ષોના 11 નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તાજેતરના સમયમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે. રાહુલ ગાંધીએ આ એકજૂટતા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
તેમણે 'X' (અગાઉ ટ્વિટર) પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "આજે જે બન્યું તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. મને તમારા બધા પર ગર્વ છે. દરેકે એક ટીમની જેમ કામ કર્યું. જેમ કે મેં મારી પત્રકાર પરિષદમાં કહ્યું હતું, આ અલગ-અલગ વિરોધ પ્રદર્શનો નથી. આ એક જ આંદોલન છે, જેમાં આપણે બધા એક સાથે છીએ."
તેજસ્વી યાદવ, સુપ્રિયા સુલે, શિવસેનાના નેતા સંજય રાઉત, કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ડી.રાજા, ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ મહુઆ માજી, માકપાના મહાસચિવ એમ.એ.બેબી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઇ.ટી. મોહમ્મદ બશીરે અરજી દાખલ કરી છે. આ નેતાઓએ ચૂંટણી પંચ, સીઇસી જ્ઞાનેશ કુમાર, ઇલેક્શન કમિશનર અને વિવેક જોશીને પાર્ટી બનાવ્યા છે.
કઇ કઇ પાર્ટીઓ દૂર?
આપ, એમ કે સ્ટાલીનની ડીએમકે, ઇન્ડિયા ગઠબંધનમાં રહી ચુકી છે. નવીન પટનાયકની બીજેડી, બીઆરએસ ઇન્ડિયા ગઠબંધનથી દુર છે.
જો કે આમ આદમી પાર્ટી, ડીએમકે, બીજેડી અને બીઆરએસ જ્ઞાનેશ કુમારના રાજીનામા અને એસઆઇઆરને રદ કરવાની માંગ કરી રહી છે.
વિજય પણ સાથે નથી?
બીજી તરફ, તમિલનાડુમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર ચલાવી રહેલા ટીવીકે (TVK) પ્રમુખ સી. જોસેફ વિજય પણ ઇન્ડિયા ગઠબંધનના કાર્યક્રમથી દૂર જોવા મળી રહ્યા છે. વિપક્ષી ડીએમકે (DMK) પૂછી રહ્યું છે કે આખરે એસઆઈઆર (SIR) અને સીઇસી (CEC) ના મુદ્દે સીએમ વિજય કેમ મૌન છે?
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પક્ષનો દાવો છે કે ટીવીકે અને ભાજપ વચ્ચે ગુપ્ત સમજૂતી (ગઠબંધન) છે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે ટીવીકે ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ છે.
સોમવારે જ ડીએમકેએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ તે ઇન્ડિયા બ્લોકમાંથી બહાર થઈ ગઈ છે, તેથી તેને કોંગ્રેસની આગેવાની હેઠળના આંદોલનોમાં ભાગ લેવાની જરૂર નથી. તેમનો માર્ગ હવે સ્વતંત્ર છે. ડીએમકેએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ સીઇસીના રાજીનામા અંગે સીએમ વિજયના વલણ પર કેમ મૌન સેવી રહ્યા છે.
તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકે લાંબા સમયથી ગઠબંધનમાં હતાં અને આ વખતના વિધાનસભા ચૂંટણીમાં પણ સાથે લડ્યાં હતાં. પરંતુ હાર બાદ કોંગ્રેસે ડીએમકે સાથેનું ગઠબંધન તોડી નાખ્યું અને બહુમતીથી થોડી દૂર રહેલી ટીવીકેને સમર્થન આપી દીધું. આ જ પગલાથી સ્ટાલિન નારાજ છે.