પટના: નેપાળમાં આવેલા વિનાશક પૂર અને સતત વરસાદ વચ્ચે તેની અસર ભારતના બિહાર સુધી પહોંચી છે. જેમાં બિહારની નદીઓમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે. બાણસાગર ડેમ અને ઇન્દ્રપુરી બેરેજમાંથી પાણી છોડયા બાદ સોન નદીને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તેમજ નદી કિનારે રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ડક, ગંગા, સોન, ફાલ્ગુ, મોરહર અને નિરંજના નદીઓમાં પૂર
બિહારમાં ગંડક, ગંગા, સોન, ફાલ્ગુ, મોરહર અને નિરંજના નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે. જેમાં પૂરની સ્થિતી ઉભી થઇ છે.
ઝારખંડ અને મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ
આ ઉપરાંત ઝારખંડ અને મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદની અસર મગધ સહિત બિહારના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સોન નદીના પાણીના પ્રવાહમાં વધારો થયા બાદ વહીવટીતંત્રે નદી કિનારાના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધાર્યું છે. તેમજ રવિવારે પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે રેવાના બાણસાગર મુખ્ય બંધ પર દેખરેખ વધારવામાં આવી છે. જેમાં છ ખુલ્લા રેડિયલ દરવાજામાંથી ચાર બંધ કરવામાં આવ્યા હતા.
સંબંધિત વિભાગોને પહોંચી વળવા માટે તૈયાર રહેવા સૂચના
આ ઉપરાંત વહીવટીતંત્રના જણાવ્યા મુજબ હાલમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંબંધિત વિભાગોને કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદી કિનારેથી દૂર જવા અપીલ કરી હતી.
સારણ જિલ્લામાં NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી
બિહારના અનેક જિલ્લાઓના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન, સારણ જિલ્લા મેજિસ્ટ્રેટ વ્યક્તિગત રીતે કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમજ સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.