Sat Sep 05 2026

Logo

800 ટન કાંદાની કાંદા એક્સ્પ્રેસ દિલ્હી પહોંચી, રિટેલમાં કિલોદીઠ રૂ. 35ના ભાવે વેચાણ થશે

2026-08-25 19:36:30
Author: Ramesh Gohil
800 ટન કાંદાની કાંદા એક્સ્પ્રેસ દિલ્હી પહોંચી, રિટેલમાં કિલોદીઠ રૂ. 35ના ભાવે વેચાણ થશે

નવી દિલ્હીઃ મુખ્ય શાકભાજી ગણાતા 800 ટન કાંદાની કાંદા એક્સપ્રેસ દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પહોંચી છે અને તેનું રાહતનાં કિલોદીઠ રૂ. 35ના ભાવથી રિટેલમાં વેચાણ થશે, એમ ગ્રાહક બાબતોનાં સચિવ નીધિ ખરેએ આજે જણાવ્યું હતું. 

દિલ્હીમાં કાંદાનું રિટેલ વેચાણ નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર સ્ટોર મારફતે થશે, એમ તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. રેલવેરેક મારફતે મોટી માત્રામાં કાંદા ચેન્નાઈ, એર્નાકુલમ, મદુરાઈ અને ગુવાહાટી જેવાં અન્ય ચાર સેન્ટરો પર પણ મોકલવામાં આવશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે કાંદાના ભાવ અંકુશમાં રાખવા માટે પુરવઠો વધારવા માટે દેશમાં કાંદાનો બફર સ્ટોક મહારાષ્ટ્રનાં નાશિક ખાતે રાખવામાં આવે છે. 

મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત 24મી ઑગસ્ટના રોજ દેશમાં કાંદાના સરેરાશ ભાવ ગત વર્ષના સમાનગાળાના કિલોદીઠ રૂ. 27.37 સામે 59 ટકા વધીને રૂ. 43.53ની સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે હોલસેલ ધોરણે ભાવ ગત સાલના સમાનગાળાના કિલોદીઠ રૂ. 21.23 સામે 68 ટકાના વધારા સાથે રૂ. 35.58ની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ દેશનાં મુખ્ય શહેરોમાં ગત 24મી ઑગસ્ટના રોજ કાંદાના ભાવમાં ચેન્નાઈ ખાતે વધીને રૂ. 60 (રૂ. 33), દિલ્હી ખાતે રૂ. 55 (રૂ. 35) અને કોલકતા ખાતે રૂ. 53ના મથાળે રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2024-25માં કાંદાની મોટી માત્રામાં અસરકારક હેરફેર માટે કાંદા એક્સ્પ્રેસ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2024-25માં પાંચ શહેરોમાં અંદાજે 12000 ટન કાંદાના બફર સ્ટોકની હેરફેર 14 રેલવે રેક મારફતે કરવામાં આવી હતી અને ત્યાર બાદ વર્ષ 2025-26માં 16 મુખ્ય શહેરોમાં અંદાજે 88,000 ટન કાંદાની હેરફેર 86 રેક મારફતે કરવામાં આવી હતી.