Mon Sep 28 2026

Logo

સ્મોલ ગે્રડની ખાંડમાં જળવાતી પીછેહઠ, મિડિયમમાં મિશ્ર વલણ

2026-09-04 19:55:52
Author: Ramesh Gohil
સ્મોલ ગે્રડની ખાંડમાં જળવાતી પીછેહઠ, મિડિયમમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ ખાંડનાં મુખ્ય ઉત્પાદક મથકો પર સરકારી સ્ટોક નિયંત્રણો અને વર્તમાન સપ્ટેમ્બર મહિનાના પહેલાં પખવાડિયાના મુક્ત વેચાણના ક્વૉટા 40 ટકા માલ ફરજિયાત વેચવો આવશ્યક હોવાને કારણે મથકો પર વેચવાલીના દબાણ હેઠળ ટેન્ડરોના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં ખાસ કરીને સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 50થી 80ની પીછેહઠ જળવાઈ રહી હતી, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 28નો ઘટાડો આવ્યો હતો અને ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બેનો સાધારણ ગુણવત્તાલક્ષી સુધારો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે સ્મોલ ગે્રડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ મિડિયમ ગે્રડમાં ક્વિન્ટલે રૂ. 150 ઘટી આવ્યા હતા. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં મથકોમાં ખાંડનાં ટેન્ડરોમાં વેપારમાં વેરારહિત ધોરણે ક્વિન્ટલદીઠ બિજાપુરમાં રૂ. 4400થી 4500, બેલગામમાં રૂ. 4450થી 4500 અને કોલ્હાપુરમાં 4400થી 4500 આસપાસના ભાવ રહ્યા હતા. 
આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 80 અને ઉપલા મથાળેથી રૂ. 50 ઘટીને રૂ. 4602થી 4752 આસપાસ અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 28 ઘટીને અને ઉપલા મથાળેથી રૂ. બે વધીને રૂ. 4752થી 5052 આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4450થી 4500માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 150 અને ઉપલા મથાળેથી રૂ. 100ના ઘટાડા સાથે રૂ. 4500થી 4650માં થયા હતા.