Tue Oct 20 2026

Logo

નવાં ખાણકામ કાયદા બનાવવા કેન્દ્રની એમએમડીઆર ઍક્ટમાં સુધારા કરવાની યોજના

2026-10-19 20:00:12
Author: Ramesh Gohil
નવાં ખાણકામ કાયદા બનાવવા કેન્દ્રની એમએમડીઆર ઍક્ટમાં સુધારા કરવાની યોજના

નવી દિલ્હીઃ સરકાર માઈન્સ ઍન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ (એમએમડીઆર ઍક્ટ), 1957ને એક વ્યાપક ખાણકામ કાયદામાં રૂપાંતરિત કરવાનું વિચારી રહી છે, જેનો મુખ્ય હેતુ જીવન જીવવામાં સરળતા અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે એમએમડીઆર ઍક્ટ, 1957નું નિયમન ખનન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જોકે, ખાણ અને ખનીજ ક્ષેત્રની આવશ્યકતા અનુસાર કાયદામાં સમયાંતરે સુધારા વધારા કરવામાં આવે છે. 

તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોમાં જીવન જીવવામાં સરળતા અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસ અર્થાત્‌‍ વેપાર-વ્યવસાયમાં સરળતાને ધ્યાનમાં લેતાં ઘણાં ક્ષેત્રોમાં સુધારાલક્ષી પગલાં લીધા છે. દેશનાં અર્થતંત્રમાં ખાણ અને ખનીજ ક્ષેત્રની મહત્ત્વતા, ભવિષ્યની ટેક્નોલૉજિકલ પ્રગતિ, દેશની વ્યૂહાત્મક જરૂરિયાતો પૂર્ણ કરવા અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની કલ્પના સાકાર કરવા એમએમડીઆર ઍક્ટ, 1957ને એક વ્યાપક અને સુવ્યવસ્થિત નવાં ખાણકામ કાયદામાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યાનુસાર ખાણ વિભાગનાં અતિરિક્ત સચિવની અધ્યક્ષતામાં એક આંતર પ્રધાનમંડળીય પેનલ નવાં ખરડાનો મુસદ્દો તૈયાર કરશે અને હાલના કાયદાની પણ સંપૂર્ણપણે સમીક્ષા કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રથાઓની આકારણી કરીને તેનો નવાં ખરડામાં સમાવેશ કરશે. આ ઉપરાંત પેનલ ખનન ક્ષેત્રમાં ભવિષ્યના વલણોને ધ્યાનમાં લઈને જરૂરી જોગવાઈઓનો પણ ઉમેરો કરશે. 

પ્રસ્તાવિત મુસદ્દામાં હાલના કાયદાની ભાષા સરળ બનાવાવશે, તેની જોગવાઈઓને સંબંધિત કાયદાઓ અને બંધારણીય આવશ્યકતાઓ સાથે સંરેખિત કરશે તેમ જ સ્પષ્ટતા, અમલીકરણ અને કાર્યક્ષમતા વધારવા માટે માળખાકીય અને વાસ્તવિક સુધારાઓ સૂચવશે. જોકે, ખરડાનો મુસદ્દો તૈયાર કરતાં પહેલા પેનલ રાજ્ય સરકારો સહિત હિસ્સેધારકો સાથે પણ સલાહમસલત કરશે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એમએમડીઆર ઍક્ટ, 1957 એ મુખ્ય કેન્દ્રીય કાયદો છે જે ખાણ અને ખનીજનાં વિકાસ અને નિયમનોને સંચાલિત કરે છે. તે કેન્દ્રને જાહેર હિતમાં ખાણકામ અને ખનીજ વિકાસને નિયંત્રિત કરવા અને ખનીજોના સંરક્ષણ અને વ્યવસ્થિત વિકાસ માટે નિયમો ઘડવાની સત્તા આપવાની સાથે કેન્દ્ર દ્વારા નિયંત્રિત મુખ્યા ખનિજો અને રાજ્યો દ્વારા નિયંત્રિત ગૌણ ખનીજો વચ્ચે તફાવત પણ કરે છે.