વર્તમાન ખાંડ મોસમમાં 290 લાખ ટન ખાંડના ઉત્પાદનનો ફેડરેશનનો અંદાજ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ દેશની ખાંડ મિલો પર વેચવાલીના દબાણ સામે સ્થાનિક તથા દેશાવરોની માગ મર્યાદિત રહેતાં ટેન્ડરોના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સપ્તાહના આરંભે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્મોલ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 60થી 120ની અને મિડિયમ ગ્રેડની ખાંડમાં રૂ. 60થી 142ની પીછેહઠ જળવાઈ રહી હતી. તેમ જ આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે સ્મોલ અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં અનુક્રમે ક્વિન્ટલે રૂ. 100 અને રૂ. 150નો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન તાજેતરમાં નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેડરેશનનાં મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશન નાઈકનવરેએ એક પ્રસાર માધ્યમને આપેલી મુલાકાતમાં ગત પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં દેશમાં 290 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જ્યારે ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને 280 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે.
દરમિયાન આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 120 અને ઉપલા મથાળેથી રૂ. 60ના ઘટાડા સાથે રૂ. 5072થી 5232માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 142 અને ઉપલા મથાળેથી રૂ. 60ના ઘટાડા સાથે રૂ. 5200થી 5392માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 100ના ઘટાડા સાથે રૂ. 4900થી 4950માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 150ના ઘટાડા સાથે રૂ. 5000થી 5100માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.