નવી દિલ્હી: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ પર કરવામાં આવેલી 42 કલાકની લાંબી ઓપરેશનલ કાર્યવાહીમાં આશરે 19.41 કરોડ રૂપિયાની કિંમતનું 13 કિલોથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડીઆરઆઈએ અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે ચાલતા સોનાની દાણચોરીના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં આશરે 19.41 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
નાણા મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 16 ઓક્ટોબરથી 42 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં 13.૦17 કિલો સોનાની હેરાફેરીનો ખુલાસો થયો છે. કથિત રીતે આ સોનું દેશમાં ગેરકાયદે રીતે લાવવામાં આવ્યું હતું, વડોદરામાં તેને ઓગાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ રોકડ વેચાણ માટે અમદાવાદની એક જ્વેલરીની દુકાનમાં પહોંચાડવામાં આવ્યું હતું.
નાણા મંત્રાલય હેઠળ કામ કરતા ડીઆરઆઈએ આશરે 890 ગ્રામ સોનું જપ્ત કર્યું છે અને ગેરકાયદેસર રીતે ઓગાળવામાં આવેલા 6.41 કિલો સોનાને લગતા પુરાવા પણ મેળવ્યા છે. નિવેદનમાં જણાવાયું છે કે, જ્વેલરીની દુકાનમાં તપાસ દરમિયાન વિદેશી મૂળના દસ્તાવેજ વગરના સોનાના બાર (ઈંટો) મળી આવ્યા હતા. આ ઉપરાંત આશરે 5.8 કિલો દાણચોરીના સોનાના વ્યવહારોના રેકોર્ડ પણ મળી આવ્યા છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, મુસાફરો સોનું છુપાવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવતા હતા. જેમ કે રોડિયમનો ઢોળ ચડાવેલા સોનાના તાર, ટ્રોલી બેગના અસ્તરમાં છુપાવેલું સોનું અને બેગની અંદર સોનાની પેસ્ટ છૂપાવીને લાવતા હતા. આ સોનું એરપોર્ટની બહાર અન્ય વ્યક્તિઓને (હેન્ડલર્સને) સોંપવામાં આવતું હતું. ત્યારબાદ મધ્યસ્થીઓ મારફતે તેને ગેરકાયદેસર રીતે સોનું ઓગાળવાના સ્થળે લઈ જવામાં આવતું અને ત્યાંથી જ્વેલરીની દુકાનમાં મોકલવામાં આવતું હતું.
કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન દુબઈ સ્થિત હેન્ડલર-ફાઇનાન્સર, સોનું ઓગાળવાની સુવિધા ચલાવનાર વ્યક્તિ અને અન્ય મુખ્ય વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઆરઆઈએ એક સંકલિત કાર્યવાહીમાં બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન આશરે 7.1 કિલો એમ્ફેટામાઈન (એક પ્રકારનો નશીલો પદાર્થ) અને આશરે 3.1 કિલો કોકેઈન પણ જપ્ત કર્યું છે, જેના સંબંધમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.