અમદાવાદ: વિજયાદશમીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફાફડા-જલેબી અને અન્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન શહેરના 15 જેટલાં ખાદ્ય એકમોમાંથી ફાફડા, જલેબી, ચટણી અને બેસન સહિતની વાનગીઓના કુલ 24 નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છતા રાખનારા 10 એકમોને નોટિસ પાઠવી સ્થળ પર જ રૂપિયા 40,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
‘વસ્ત્રાપુર ગાંઠિયા’ની દુકાનને સીલ કરવામાં આવી
તપાસ અભિયાન દરમિયાન વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ‘વસ્ત્રાપુર ગાંઠિયા’ની દુકાનમાં તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા તપાસવામાં આવી હતી. જેમાં તેલમાં ટીપીસીનું પ્રમાણ 32 ટકા નોંધાયું હતું. નિયમ મુજબ ખાદ્ય તેલમાં ટીપીસીનું પ્રમાણ મર્યાદા કરતાં ઘણું વધારે પ્રમાણ મળી આવતાં ફૂડ વિભાગે કડક હાથે કાર્યવાહી કરીને આ એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું હતું. સાથે જ ત્યાંથી ફાફડા અને જલેબીના શંકાસ્પદ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતાં.

ફૂડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફાફડા તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેની ગુણવત્તા બગડે છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. તહેવારોના દિવસોમાં નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને શુદ્ધ ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી એએમસી દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા હતાં. આવનારા દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને નિયમભંગ કરનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.