મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટ ૨૬ ઓક્ટોબરે અભિનેતા ઈમરાન ખાન (જેઓ અમેરિકાના નાગરિક છે) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં ખાને એક રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ૨૮ ઓક્ટોબર સુધીમાં તેમને ભારત છોડી દેવાનો નિર્દેશ આપતી પોલીસની એક નોટિસને પડકારી છે.
ખાન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે આજે મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની ખંડપીઠ સમક્ષ આ અરજીનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહને અરજીની નકલ આજે સવારે જ મળી હોવાથી તેમણે સમય માંગ્યો હતો.
ત્યાર બાદ કોર્ટે ૨૬ ઓક્ટોબર અરજી પર સુનાવણી માટે નક્કી કરી. ધોંડે વહેલી તારીખની માંગણી કરી કારણકે નોટિસ મુજબ ખાનને ૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ કોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગણી ફગાવી દીધી હતી અને 26 ઑક્ટોબર યોગ્ય ગણાવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે અહીં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થોડા સમય માટે અટકાયતમાં લેવાયેલા ૪૩ વર્ષીય અભિનેતાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, તેમણે કોઈ પણ સભામાં ભાગ લીધો નહોતો અને વિરોધ પ્રદર્શનના આયોજકો સાથે તેમનો કોઈ સંબંધ નથી.
તેમના વકીલ ઝુલ્ફીકાર મેમણે જણાવ્યું હતું કે, ૧૭ ઓક્ટોબરે તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી તે જ અરસામાં ખાનને 'ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ' તરફથી એક 'શો-કોઝ નોટિસ' (કારણ દર્શાવો નોટિસ) પણ મળી હતી, જેમાં તેમના 'ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા' દરજ્જાને શા માટે રદ ન કરવો જોઈએ, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
ખાને નોટિસ રદ કરવાની માંગ કરી, અને સાથે જ કોર્ટને વિનંતી કરી કે તેમની અરજી પેન્ડિંગ હોય તે દરમિયાન આ નોટિસના અમલ પર સ્ટે મૂકવામાં આવે અને સત્તાવાળાઓને તેમની વિરુદ્ધ કોઈ પણ પ્રકારના દબાણયુક્ત પગલાં લેતા અટકાવવામાં આવે.
બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા અને અનેક હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઈમરાન ખાનને ૨૮ ઓક્ટોબર કે તે પહેલાં દેશ છોડી દેવા માટે સૂચના આપવામાં આવી છે; જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે, તો કલમ ૨૯ હેઠળ તેમને દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.