Tue Oct 20 2026

Logo

ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની વેક્સિન શરૂ! 2 ડોઝથી મળશે 80 ટકા મળશે રક્ષણ...

2026-10-19 22:54:20
Author: Mumbai Samachar Team
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની વેક્સિન શરૂ! 2 ડોઝથી મળશે 80 ટકા મળશે રક્ષણ...

નવી દિલ્હીઃ ભારતમાં ડેન્ગ્યુના સંક્રમણ સામે લડવા માટે ઐતિહાસિક પગલું ભરતાં પહેલીવાર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં ડેન્ગ્યુથી બચવા માટે પહેલીવાર રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન તમિલનાડુના તેનકાસી જિલ્લાના કડયનલ્લુરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની શરૂઆત કર્યા બાદ આરોગ્ય પ્રધાન કેજી અરુણરાજે જણાવ્યું કે વેક્સીનના બે ડોઝ ત્રણ મહિનાના અંતરે આપવામાં આવશે. આ રસી ડેન્ગ્યુ સામે ૮૦ ટકા સુધી રક્ષણ પૂરું પાડી શકે છે તેમ જ ડેન્ગ્યુના ગંભીર લક્ષણો અટકાવી શકે છે.

મીડિયા અહેવાલ મુજબ હાલમાં આ અભિયાન પાયલોટ પ્રોજેક્ટ છે. જેને રસીની અસરકારકતાના અભ્યાસ અને મૂલ્યાંકન તરીકે શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં મોટા પાયે રસીકરણ નહીં થાય. આ પ્રોજેક્ટના આધારે આગળનો રસીકરણ કાર્યક્રમ નક્કી થશે.

ડેન્ગ્યુ એક વાયરલ સંક્રમણ છે, જે સંક્રમિત એડીસ ઇજીપ્તી મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુમાં સખત તાવ, માથાનો દુખાવો અને આંખો પાછળ દુખાવો થાય છે. કેટલાક દર્દીઓમાં ડેન્ગ્યુના ગંભીર લક્ષણો જોવા મળે છે. અત્યાર સુધી ડેન્ગ્યુથી બચવા માટે કોઇ રસી ન હતી, પરંતુ થોડા મહિના પહેલા ભારતમાં જાપાની કંપની ટાકેડાની ક્યુડેન્ગા રસીને મંજૂરી આપવામાં આવી હતી.

ક્યુડેન્ગા રસી ડેન્ગ્યુ વાયરસના ચારેય પ્રકારો સામે રક્ષણ આપવા માટે વિકસાવવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન(સીડીએસસીઓ)એ તેને ૪ થી ૬૦ વર્ષની વયના લોકો માટે મંજૂરી આપી છે. આ રસી ડેન્ગ્યુ સામે ૮૦ ટકા સુધી રક્ષણ પૂરું પાડી શકતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રસી લીધા પછી ડેન્ગ્યુના ગંભીર લક્ષણોને સરળતાથી અટકાવી શકાય છે.

આ રસીમાં ડેન્ગ્યુ વાયરસનું ખૂબ જ નબળું સ્વરૂપ હોય છે. આ વાયરસ સ્વસ્થ વ્યક્તિને બીમાર કર્યા વિના સંક્રમણ જેવી સ્થિતિ પેદા કરે છે. શરીર આ નબળા વાયરસને ઓળખે છે અને તેની સામે એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. જ્યારે એન્ટીબોડીઝ બની જાય છે પછી જો વાયરસ ક્યારેય શરીર પર એટેક કરે છે તો તે તેને ઓળખીને નાશ પમાડે છે.