મુંબઈ: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિંતા ફેલાઈ છે. આ ઘટના અંગે વરિષ્ઠ અભિનેતા અને ‘ધુરંધર’ ફિલ્મથી ચર્ચામાં આવેલા રાકેશ બેદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે ટાઈગર શ્રોફને હિંમત આપતાં લખ્યું હતું કે “તું મેરા ટાઈગર હૈ, તું બચ ગયા, એનો મને ખૂબ આનંદ છે. પરંતુ હવે પછી ધ્યાન રાખજે.” રાકેશ બેદીએ આ ઘટનાને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુરક્ષા અંગે વધતી ચિંતા પર પણ વાત કરી હતી.
રાકેશ બેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટાઈગરની કાર પર થયેલા ગોળીબારનો વીડિયો જોયા બાદ તેમને એવું લાગ્યું કે હુમલાખોરોનો હેતુ લોકોમાં ભય પેદા કરવાનો હોઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે આવી ઘટના બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડરનો માહોલ સર્જાય તે સ્વાભાવિક છે. કલાકારો અને તેમની સાથે કામ કરતા લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધશે, તેવી માહિતી પણ તેમણે આપી હતી.
આ દરમિયાન રાકેશ બેદીએ ટાઇગરના પિતા અને અભિનેતા જેકી શ્રોફ સાથેના પોતાના જૂના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ જેકી શ્રોફને છેલ્લા 40થી 45 વર્ષથી ઓળખે છે.
જોકે, ટાઈગર સાથે તેમની બહુ વાતચીત થઈ નથી. તેમણે ટાઈગરને પોતાનું કામ કરતા રહેતા અને લોકોના પ્રિય એવા યુવાન અભિનેતા ગણાવ્યા હતા. ખાસ કરીને બાળકોમાં ટાઇગરની લોકપ્રિયતા ઘણી વધારે હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 18 ઑક્ટોબરની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, ટાઇગર ફૂટબોલ રમીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને નિશાન બનાવવામાં આવી હતી.
ટાઇગરને ગોળી વાગી નહોતી અને તેઓ સુરક્ષિત રહ્યા હતા, જોકે તેમના ડ્રાઇવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે અને હુમલાખોરોની ઓળખ તથા ગોળીબાર પાછળના કારણોની તપાસ ચાલુ છે.
ફાયરિંગની ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દાવો કરતી પોસ્ટ પણ સામે આવી હતી. જોકે, આ પોસ્ટની સત્યતા અને ગેંગની સંડોવણીની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
આ ઘટનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારોની સુરક્ષા અંગે ફરી ચર્ચા જગાવી છે. રાકેશ બેદીએ ટાઇગરને આપેલો સંદેશ પણ આ મુશ્કેલ સમયમાં અભિનેતાને હિંમત આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.