Tue Oct 20 2026

Logo

અમિતાભ બચ્ચન-દિલીપ કુમારની ફિલ્મ 'શક્તિ'થી શરૂ થઈ હતી બોલિવુડમાં 'અંડરવર્લ્ડ'ની એન્ટ્રી ને પછી થયું હતું 'અપહરણ', વાંચો રોચક કિસ્સો

2026-10-19 21:52:58
Author: Mayur Patel
અમિતાભ બચ્ચન-દિલીપ કુમારની ફિલ્મ 'શક્તિ'થી શરૂ થઈ હતી બોલિવુડમાં 'અંડરવર્લ્ડ'ની એન્ટ્રી ને પછી થયું હતું 'અપહરણ', વાંચો રોચક કિસ્સો

મુંબઈઃ બોલિવુડ ફરી અંડરવર્લ્ડનો ડોળો પડ્યો હોય તેમ લાગે છે. ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની વાત સામે આવી છે. બોલિવુડ સ્ટાર પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. 1980-90ના દાયકામાં પઠાણ ગેંગ અને દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીએ ફિલ્મી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી હતી.

વાત છે 1982ની. એક તરફ સિનેમાઘરોમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની ફિલ્મ 'શક્તિ' રિલીઝ થવાની તૈયારીમાં હતી, તો બીજી તરફ ફિલ્મના પ્રોડ્યુસર મુશીર આલમની અંગત જિંદગીમાં એક એવું તોફાન આવવાનું હતું, જેના પર પોતે એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ બની શકે તેમ હતી. 20 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પરંતુ તે સમયે અપહરણકર્તાને અંદાજ નહોતો કે તેમનો શિકાર આંખો પર પટ્ટી બાંધેલી હોવા છતાં તેમની જ વિરુદ્ધમાં સૌથી મોટો પુરાવો એકઠો કરી રહ્યો છે.  તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ પ્રોડ્યુસર્સ મુશીર આલમ હતા.

 મુશીર આલમ કંઈ સમજે તે પહેલાં જ, તેમની કારને રસ્તા વચ્ચે રોકીને એમ્બેસેડરમાંથી ત્રણ માણસો બહાર નીકળ્યા. તેઓ ઝડપથી કાર તરફ ધસી આવ્યા અને તેમણે મુશીર આલમને ખેંચીને કારની બહાર કાઢી લીધા.મુશીર કંઈ સમજે તે પહેલા તેમને કારની પાછલી સીટમાં બેસાડી દીધા અને કાર સડસડાટ ત્યાંથી જતી રહી.

આ ઘટના અંગે મુંબઈના એક વરિષ્ઠ પત્રકાર એસ હુસૈન ઝૈદીએ તેમના પુસ્તર 'ડોંગરી સે દુબઈ તક' માં ઉલ્લેખ કર્યો છે. પત્રકાર મુજબ, આ ઘટના બોલિવુડમાં માફિયાના પ્રવેશની પ્રારંભિક ઘટના હતી. મુશીર આલમનું અપહરણ મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમે  નહોતું કર્યું, પરંતુ તેની પાછળ હાથ દાઉદની કટ્ટર દુશ્મન પઠાણ ગેંગનો હતો. તે સમયે આ ગેંગના સૂત્રધાર અમીરઝાદા અને આલમઝેબ હતા.

તે સમયે આ ગેંગ દાઉદના ભાઈની હત્યા સહિતના અનેક ગેંગવોરમાં સામેલ હતી અને તેને પોતાના ગુનાહિત નેટવર્કને ચલાવવા માટે પૈસાની જરૂર હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદર રહેલા સંપર્કો દ્વારા મુશીર આલમને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે આ પાછળની કહાની પણ રોચક છે.

પત્રકાર એસ હુસૈન ઝૈદી સાથે તાજેતરમાં થયેલા એક ઇન્ટરવ્યુમાં મુંબઈ પોલીસના પૂર્વ એસીપી મધુકર ઝેંડેએ આ રોમાંચક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. પૂર્વ એસીપી મધુકર ઝેંડેએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ 'શક્તિ' રિલીઝ થવાની તૈયારીમાં હતી, અને તેના પ્રોડ્યુસર એટલે કે મુશીર આલમ પાસે હરીશ સુગંધ નામનો એક મેનેજર હતો. મોટી-મોટી ડંફાસો મારવામાં તેની કોઈ બરાબરી નહોતી. તે અવારનવાર કહેતો ફરતો હતો કે તેની પાસે 20 લાખ રૂપિયા બ્લેક મની તરીકે પડ્યા છે.

આ વાત પઠાણ ગેંગ સુધી પહોંચી ગઈ, આ  ગેંગે સપ્ટેમ્બર 1982ના થોડા દિવસો પહેલાં જ દાઉદના ભાઈની હત્યા કરી હતી. એસ. હુસૈન ઝૈદી પોતાના પુસ્તક 'ડોંગરી ટુ દુબઈ'માં લખે છે, હથિયારધારી બદમાશોએ મુશીરની આંખો પર સફેદ પટ્ટી બાંધી દીધી અને અપહરણકારો તેમની કારને ત્યાં જ પાછળ છોડીને ભાગી ગયા. મુંબઈના અત્યાર સુધીના આ સૌથી મોટા અપહરણના ગુનામાં એક મિનિટ કરતાં પણ ઓછો સમય લાગ્યો હતો.

મુશીર આલમ માટે આગળના કેટલાક કલાકો અત્યંત દર્દનાક અને અસહ્ય રહ્યા. પઠાણ ગેંગના ગુંડાઓએ મુશીરને ધમકીઓ આપી, ગાળો ભાંડી અને તમાચા માર્યા. એસ. હુસૈન ઝૈદી લખે છે, અપહરણ પછી મુશીરને સમજાયું કે 'શક્તિ' ફિલ્મે જે બિઝનેસ કર્યો હતો તેની અપહરણકારોને પૂરી માહિતી હતી. ગેંગના સૂત્રધાર અમીરઝાદાએ કહ્યું, અમારે માત્ર 25 લાખ જોઈએ છે, તેનો અંદાજ એકદમ સૌમ્ય હતો. અપહરણકારોએ મુશીર પાસે બળજબરીથી તેમના સાળા અને પાર્ટનર રિયાઝને ફોન કરાવ્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે તેઓ જેટલી પણ રકમની વ્યવસ્થા કરી શકે તેટલી કરે અને નક્કી કરેલી જગ્યાએ પહોંચી જાય. અપહરણકારોએ તેમને પોલીસને વચ્ચે ન લાવવાની ચેતવણી આપી હતી.

અહેવાલ મુજબ, રિયાઝ અને હરીશ 2.80 લાખ રૂપિયા એકઠા કરી શક્યા અને તેઓ નક્કી કરેલા ઠેકાણે પહોંચ્યા હતા. મુશીર આલમનો છુટકારો કરાવવામાં આવ્યો હતો.  અપહરણ પછી મુશીર આલમની આંખો પર ભલે પટ્ટી બાંધેલી હતી, પરંતુ તેઓ ખૂબ જ સતર્ક હતા. મુશીરે અપહરણ દરમિયાન ઘણી નાની-નાની બાબતો ઝીણવટપૂર્વક યાદ રાખી હતી. જેમ કે, અપહરણ કર્યા પછી અડ્ડા સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો, રસ્તામાં કેવી દુર્ગંધ આવી, સીડીઓ કઈ તરફ હતી, કેટલાં ડગલાં ચાલવું પડ્યું અને આસપાસ કેવા અવાજો સંભળાઈ રહ્યા હતા. તેમને બાળકો દ્વારા સમૂહમાં કુરાન પઢવાનો અવાજ પણ યાદ રહ્યો હતો. 

24 સપ્ટેમ્બરના રોજ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર મુશીર આલમ અને તેમના સાથી રિયાઝને લઈને પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યા. દિલીપ કુમાર ઇચ્છતા હતા કે અપહરણના આ કેસની ગંભીરતાથી તપાસ થાય, પરંતુ મુશીર આલમ આ મામલાને વધુ ખેંચવા માગતા નહોતા. જોકે, પાછળથી ઇસાક બાગવાન નામના પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી અપહરણકારોને ઝડપી પાડ્યા હતા.