Tue Oct 20 2026

Logo

'આરતી ટાણે જ અંધારપટ, ભાજપ સરકાર લાઈટ મેનેજમેન્ટમાં નિષ્ફળ' – ગોપાલ ઈટાલીયા

2026-10-19 22:45:58
Author: Mayur Patel
'આરતી ટાણે જ અંધારપટ, ભાજપ સરકાર લાઈટ મેનેજમેન્ટમાં નિષ્ફળ' – ગોપાલ ઈટાલીયા

રાજકોટ: ગુજરાતમાં નવરાત્રીના પવિત્ર તહેવારો દરમિયાન ગ્રામીણ વિસ્તારો અને ઉદ્યોગોમાં સર્જાયેલી વીજળીની કટોકટી મુદ્દે આમ આદમી પાર્ટી (આપ) એ શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડ્યો છે. 'આપ'ના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ઊર્જા વિભાગ અને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, એકતરફ સરકાર બીજા રાજ્યો અને ખાનગી કંપનીઓને પાણીના ભાવે વીજળી વેચે છે, જ્યારે બીજી તરફ ગુજરાતના પોતાના જ ગામડાઓ નવરાત્રી જેવા તહેવારમાં અંધારામાં ડૂબી રહ્યા છે.

સરકાર તહેવાર સમયે જ વીજળી આપવામાં નિષ્ફળ

પત્રકાર પરિષદને સંબોધતા ગોપાલ ઈટાલીયાએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ૨૦-૨૫ દિવસથી નવરાત્રીના પવિત્ર પર્વમાં જ સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૩૦ વાગ્યા દરમિયાન, એટલે કે જ્યારે લોકોના જમવાનો અને માતાજીની આરતીનો સમય હોય છે, ત્યારે જ હજારો ગામડાઓમાં ભયંકર પાવર કટ (વીજકાપ) ઝીંકી દેવામાં આવે છે. સોલાર પેનલ, પવનચક્કીઓ અને ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી થાંભલા નાખીને મોટી-મોટી વાતો કરતી સરકાર તહેવારના સમયે જ જનતાને પૂરતી વીજળી આપવામાં સદંતર નિષ્ફળ રહી છે.

નબળું વીજ-મેનેજમેન્ટ આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર 'સ્ટેગરિંગ હોલિડે' જેવા અંગ્રેજી શબ્દોનો આશરો લઈને પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ભાવનગરની અનેક નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગો) પર તંત્ર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેમણે રોજ ૪ કલાક પોતાના ઉદ્યોગો ફરજિયાત બંધ રાખવાના રહેશે. તહેવારોની આ સીઝન વેપારીઓ અને ઉદ્યોગકારો માટે કમાણીનો મુખ્ય સમય હોય છે, ત્યારે જ સરકારનું આવું નબળું વીજ-મેનેજમેન્ટ આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે.

કૃત્રિમ વીજસંકટ ઊભું કરાયું હોવાનો દાવો 

ગોપાલ ઈટાલીયાએ સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો હતો કે, "અંદરની માહિતી પ્રમાણે, વીજળીનો સંગ્રહ (સ્ટોર) કરવા માટેના એક મોટા બેટરી પ્રોજેક્ટમાં બેટરી ઉત્પાદક કંપની પાસેથી ઉચ્ચ અધિકારીઓને જોઈએ તેટલું 'કમિશન' મળ્યું નથી. આ કમિશનખોરીના કારણે જ અધિકારીઓએ આખો પ્રોજેક્ટ ટલ્લે ચડાવી દીધો છે, જેનો ભોગ આજે ગુજરાતની જનતા અને ઉદ્યોગો બની રહ્યા છે." સોલાર-વિન્ડ કંપનીઓ અને ભાજપના નેતાઓની સાંઠગાંઠને કારણે કૃત્રિમ વીજસંકટ ઊભું કરાયું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

સરકાર પાસે વોટર મેનેજમેન્ટનું કોઈ આયોજન નથી

વીજળી ઉપરાંત આગામી શિયાળામાં તોળાતા પાણીના સંકટ અંગે પણ તેમણે સરકારને ઘેરી હતી. ગોપાલ ઈટાલીયાએ ચેતવણી આપી છે કે રાજકોટ સહિત સમગ્ર કાઠિયાવાડ/સૌરાષ્ટ્ર પર હવે પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન તોળાઈ રહ્યો છે. ઓછા વરસાદને કારણે ડેમ અને કેનાલો ખાલી છે અને 'સૌની યોજના'ની પાઈપલાઈનો સુકી ભઠ્ઠ છે, પરંતુ સરકાર પાસે 'વોટર મેનેજમેન્ટ'નું કોઈ આયોજન નથી. લાઈટ અને પાણી જેવી પાયાની સુવિધાઓ આપ્યા વિના દેશને 'વિશ્વગુરુ' બનાવવાની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી છે.

૩૦ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સંપૂર્ણપણે કટોકટી ઉકેલવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી તેમણે અપીલ કરી કે, સરકાર ઝડપથી વીજળી અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ગોઠવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો આમ આદમી પાર્ટી સામાન્ય જનતા અને ખેડૂતોને સાથે રાખીને સમગ્ર રાજ્યમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરશે.

વધુ જુઓ...