Tue Oct 20 2026

Logo

એશિયન પૅરા ગેમ્સમાં પહેલા દિવસે જ દિવસે ભારતનો સપાટો, 11 મેડલ જીતી લીધા

Nagoya   2026-10-19 21:05:57
Author: Ajay Motiwala
એશિયન પૅરા ગેમ્સમાં પહેલા દિવસે જ દિવસે ભારતનો સપાટો, 11 મેડલ જીતી લીધા

ચાર ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રૉન્ઝ મળ્યાઃ બે ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડીઓએ મેડલ પાક્કાં કર્યા

નાગોયા (જાપાન): દિવ્યાંગો માટેની એશિયન પૅરા (Para) ગેમ્સ  2026માં ભારતના ઍથ્લીટો અને ખેલાડીઓએ ધમાકેદાર આરંભ કર્યો અને સોમવારના પહેલા જ દિવસે ચાર ગોલ્ડ, પાંચ સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત કુલ 11 મેડલ જીતી લીધા હતા. અલગ-અલગ ચાર પ્રકારની રમતના ભારતીય સ્પર્ધકોએ આ રમતોત્સવમાં ભારતને પ્રથમ દિવસથી જ ગૌરવ અપાવવાની શરૂઆત કરી દીધી અને એમાં વ્હીલચૅર પરથી શૂટર મોના અગરવાલે તથા લાંબા કૂદકામાં નિશાદ કુમારના પર્ફોર્મન્સ સૌથી વધુ આકર્ષક હતા. આ બન્ને સ્પર્ધકે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ટેબલ ટેનિસમાં બે ગુજરાતી મહિલા ખેલાડીઓએ સેમિ ફાઇનલમાં પહોંચીને ચંદ્રક (Medals) પાક્કાં કર્યા હતા.

બન્ને હાથ વિના અગાઉ અનેક વિક્રમો રચી ચૂકેલી જમ્મુ-કાશ્મીરની શીતલ દેવીએ પણ અનેરી છાપ પાડી છે. તેણે તીરંદાજીમાં મહિલાઓના વ્યક્તિગત કમ્પાઉન્ડ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી તેમ જ એશિયન પૅરા ગેમ્સમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. તેણે તોમન કુમાર સાથે મળીને મિક્સ્ડ ટીમ ક્વૉલિફિકેશનમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો હતો.

19 વર્ષની શીતલ દેવીને બન્ને હાથ નથી, પણ તે બન્ને પગની મદદથી ધનુષ્યબાણ ગોઠવે છે અને ખભા તથા જડબાની મદદથી નિશાના પર તીર છોડે છે. તેણે વ્યક્તિગત ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મહત્તમ 720માંથી 704 પૉઇન્ટ મેળવ્યા હતા. તેણે 698 પૉઇન્ટનો એશિયન રેકૉર્ડ તોડ્યો હતો અને 704 પૉઇન્ટ સાથે તૂર્કીની ઑઝનુર ગિરડીના વિશ્વવિક્રમની બરાબરી કરી હતી. શીતલે પછીથી તોમન સાથે મળીને મિકસ્ડ ટીમના ક્વૉલિફિકેશનમાં 1,402 પૉઇન્ટ સાથે નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. શીતલે અગાઉ રાકેશકુમાર સાથે 1,400 પૉઇન્ટનો જે વિશ્વવિક્રમ રચ્યો હતો એ શીતલે હવે તોમન સાથેની જોડીમાં તોડી નાખ્યો છે.

ભારત ચોથા નંબરે

સોમવારે મોડી સાંજે ભારત ચાર ગોલ્ડ સહિત કુલ 11 ચંદ્રક સાથે ચોથા નંબરે હતુંઃ (1) ચીનઃ 20 ગોલ્ડ સહિત કુલ 53 મેડલ (2) જાપાનઃ સાત ગોલ્ડ સહિત કુલ 24 મેડલ (3) ઉઝબેકિસ્તાનઃ છ ગોલ્ડ સહિત કુલ બાવીસ મેડલ અને (4) ભારતઃ ચાર ગોલ્ડ સહિત કુલ 11 મેડલ.

સોમવારે સવારે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ રાજસ્થાનની મોના અગરવાલે 10 મીટર ઍર રાઇફલ (એસએચ-1)માં જીતી લીધો હતો. મોના 2024ની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એશિયન પૅરા ગેમ્સમાં મોનાના ગોલ્ડની સાથે ભારતની જ અવની લેખરાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. બન્નેએ 2028ની લૉસ ઍન્જલસ પૅરાલિમ્પિક્સમાં સ્થાન મેળવી લીધું છે. સોમવારની સાંજે રનર સૌમ્યા અને લાંબા કૂદકાના ચૅમ્પિયન નિશાદ કુમાર તેમ જ ભાલાફેંકના ઍથ્લીટ રિન્કુએ ભારતનું નામ રોશન કર્યું હતું. આ ત્રણેયે પણ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.

ભારતની જોઈ ન શક્તી ઍથ્લીટ કોકિલાએ જુડોમાં બાવન કિલો વજનના જે-ટૂ વર્ગમાં સિલ્વર મેડલ અને કપિલ કુમારે 70 કિલો વજનના જે-વન વર્ગમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

સ્વિમિંગમાં રવિ કાર્તિક બુદીગિનાએ 100 મીટર ફ્રીસ્ટાઇલ એસ-13 ઇવેન્ટ 56.68 સેક્નડમાં પૂરી કરીને સિલ્વર મેડલ જીતી લીધો હતો. આ ઇવેન્ટ આંશિક રીતે જોઈ ન શકતા ઍથ્લીટો માટેની હતી.

ભાવિના પટેલ સેમિ ફાઇનલમાં

ટેબલ ટેનિસમાં પૅરાલિમ્પિક્સનો સિલ્વર મેડલ જીતી ચૂકેલી ગુજરાતની ભાવિના પટેલે સોમવારે એશિયન પૅરા ગેમ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને મેડલ પાક્કો કર્યો હતો. તેણે 4-5 કૅટેગરીની ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની ઝાન્ગ નામની હરીફને 3-1થી (8-11, 11-6, 11-1, 11-6થી) હરાવી દીધી હતી. આ વર્ગની સ્પર્ધકો વ્હીલચૅર પર બેસીને હરીફાઈમાં ભાગ લે છે. આ વર્ગમાં ભારતે ત્રણ ચંદ્રક પાક્કા કરી લીધા છે. પ્રાચી પાન્ડેએ ક્વૉર્ટરમાં થાઇલૅન્ડની હરીફ કૅનોકપોર્નને 11-5, 11-4, 11-13, 12-10થી પરાજિત કરી હતી. સોનલબેન નામની બીજી ગુજરાતી સ્પર્ધકે ક્લાસ-થ્રીની ક્વૉર્ટર ફાઇનલમાં થાઇલૅન્ડની દરારૅત અસાયુતને 11-7, 8-11, 11-5, 11-5થી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચીને મેડલ પાક્કો કર્યો હતો.

પૅરા બૅડમિન્ટનમાં ભારતના નિતેશ કુમાર અને થુલાસિમથી મુરુગેસને ભારત માટે મિક્સ્ડ-ડબલ્સનો ચંદ્રક પાક્કો કરી આપ્યો હતો. ચીની સ્પર્ધકો તરફથી વૉકઓવર મળતાં ભારતીય જોડીને સીધા સેમિમાં જવા મળી ગયું હતું.