Thu Nov 19 2026

Logo

મુંબઈમાં ફળોના ભાવમાં ધરખમ વધારોઃ તહેવારોમાં 15થી 50 ટકાનો જંગી ઉછાળો

2026-10-19 20:41:42
Author: Mumbai Samachar Team
મુંબઈમાં ફળોના ભાવમાં ધરખમ વધારોઃ તહેવારોમાં 15થી 50 ટકાનો જંગી ઉછાળો

નવી મુંબઈ: તહેવારોની મોસમમાં ફળ ખરીદવા જતા ગ્રાહકોના ખિસ્સા પરનો ભાર વધ્યો છે. વાશી સ્થિત એપીએમસીના જથ્થાબંધ બજારમાં ફળોના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 15થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. દાડમના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. પ્રતિકૂળ હવામાન, દુષ્કાળની સ્થિતિ, બજારમાં ફળોની ઓછી આવક અને આંતરરાષ્ટ્રીય પુરવઠામાં વિક્ષેપને કારણે ભાવમાં વધારો થયો હોવાની માહિતી વેપારીઓએ આપી હતી.

બજારમાં સૌથી વધુ આવક સફરજનની થાય છે. હાલમાં દરરોજ આશરે 350થી 400 ટન સફરજન બજારમાં આવી રહ્યાં છે તેમ છતાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી આવતા સફરજનના ભાવ ગયા વર્ષની સરખામણીએ લગભગ 25 ટકા વધી ગયા છે. 

બીજી તરફ, દરરોજ 100થી 115 ટન સંતરાં અને 260થી 280 ટન મોસંબીની આવક થાય છે. આ બંને ફળોના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જ્યારે કેળાંના ભાવ લગભગ 30 ટકા વધ્યા છે.

વાશી એપીએમસીના જથ્થાબંધ બજારમાં હાલમાં સફરજનના ભાવ ₹ 160થી ₹ 180 પ્રતિ કિલો છે, જ્યારે દાડમ ₹ 200થી ₹ 220 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. જામફળના ભાવ ₹ 80થી ₹ 90, પપૈયાના ₹ 70થી ₹ 80 અને અનાનસના ₹ 60થી ₹ 70 પ્રતિ કિલો છે. સંતરાં અને મોસંબી ₹ 50થી ₹ 60 પ્રતિ કિલોના ભાવે મળી રહ્યાં છે, જ્યારે કેળાંના ભાવ ₹ 30થી ₹ 40 ડઝન છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર ઈરાનથી સફરજનની આયાત બંધ થઈ ગઈ છે, જ્યારે તુર્કીથી આવતા સફરજનના જથ્થામાં ઘટાડો થયો છે. તેના કારણે બજારમાં પુરવઠા પર અસર પડી છે. દક્ષિણ આફ્રિકાથી સાઇટ્રસ ફળો, મૅન્ડરિન અને એવોકાડો, ન્યૂઝીલેન્ડ અને અમેરિકાના વોશિંગ્ટનથી સફરજન તથા ઑસ્ટ્રેલિયા અને યુરોપમાંથી કિવી અને બ્લૂબેરીની આયાત પણ બજારના પુરવઠાનો ભાગ છે. આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વિક્ષેપથી આયાતી ફળોના ભાવમાં પણ વધારો થયો છે.

પ્રતિકૂળ હવામાન અને દુષ્કાળની સ્થિતિને કારણે સ્થાનિક ઉત્પાદન તથા બજારમાં આવક પર સીધી અસર પડી છે. પપૈયાની આવક ઘટતાં તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ, આયાતી ફળોના પુરવઠામાં અનિશ્ચિતતા હોવાથી ગ્રાહકોને ફળોની સામાન્ય કરતા વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. તહેવારોની મોસમમાં ફળોના ભાવમાં થયેલો આ વધારો સામાન્ય પરિવારોના બજેટ પર વધારાનો ભાર મૂકી રહ્યો છે.