વિદેશી ફંડોની રૂ. 1148.64 કરોડની ચોખ્ખી વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત સપ્તાહના અંતે સતત બે સત્ર દરમિયાન તેજીનું વલણ જોવા મળ્યા બાદ આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલો અને સ્થાનિક સ્તરે ખાસ કરીને એચડીએફસી બૅન્ક અને એક્સિસ બૅન્ક સહિત ખાનગી ક્ષેત્રની બૅન્કોના શૅરોમાં વેચવાલીનું દબાણ ઉપરાંત આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 876.37 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ 257.20 પૉઈન્ટના ઘટાડા સાથે ફરી 23,000ની સપાટી ગુમાવી હતી. જોકે, આજે મંગળવારે બજાર દશેરા નિમિત્તે બંધ રહેનાર છે.
એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 11,240.64 કરોડની ખરીદી સામે રૂ. 12,389.28 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1148.64 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક ફંડોની રૂ. 14,781.31 કરોડની ખરીદી સામે રૂ. 11,580.12 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3201.19 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. આમ અમુક અંશે બજારને સ્થાનિક ફંડોની ખરીદીનો ટેકો મળ્યો હતો.
વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે આગામી દિવાળીનાં દિવસનાં મુહૂર્તનાં વિશેષ સત્રનાં સમયની જાહેરાત કરતા એક યાદીમાં જણાવ્યું હતું કે આગામી આઠમી નવેમ્બરના રોજ રવિવારે દિવાળીનાં દિવસે બપોરે 2.20થી 3.30 દરમિયાન વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, તેની 15 મિનિટ પૂર્વે પ્રિસેશનનો આરંભ થતાં તેનો સમયગાળો 2.05 વાગ્યાથી 2.20 સુધીનો રહેશે. સામાન્યપણે બજારનાં કામકાજનો સમય સવારે 9.15થી 3.30 સુધીનો હોય છે, પરંતુ દિવાળીની રજા હોવા છતાં આ મુહૂર્તનું વિશેષ સત્ર હોવાથી ટૂંકો સમયગાળો રાખવામાં આવ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 74,729.27ના બંધ સામે સુધારાના અન્ડરટોને 74,849.30ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 74,849.75 અને નીચામાં 73,708.54ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 1.17 ટકા અથવા તો 876.37 પૉઈન્ટના ઘટાડા સાથે 73,852.90ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 23,146.15ના બંધ સામે સાધારણ વધીને 23,150.85ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,845 અને ઉપરમાં 23,175.25ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 1.11 ટકા અથવા તો 257.20 પૉઈન્ટ ઘટીને 22,888.95ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગત શનિવારે ખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી બૅન્કનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યાના નિર્દેશો સાથે ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં વેચવાલીનું દબાણ ઉપરાંત તાજેતરમાં આઈટી શૅરોના ભાવ વધી આવ્યા હોવાથી તેમાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વધુમાં વૈશ્વિક બજારોમાં પણ નરમાઈનો અન્ડરટોન રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ જતાં પીછેહઠ જોવા મળી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
એકંદરે આજે ઈન્ડેક્સ હેવી વેઈટ ખાનગી બૅન્કોના શૅરોમાં વેચવાલી, વૈશ્વિક બજારમાં ટેક્નોલૉજી શૅરોમાં નરમાઈ રહેતાં રોકાણકારોમાં ખાનગી કંપનીઓની આવકો દબાણ હેઠળ આવે તેવી ભીતિ ઉપરાંત સ્થાનિકમાં આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલી વધતાં ઈક્વિટી માર્કેટ દબાણ હેઠળ આવ્યા હોવાનું રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વૅલ્થનાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્નને જણાવતાં ઉમેર્યું હતું કે પરિણામોમાં બૅન્કોએ દર્શાવેલી નફામાં વૃદ્ધિ છતાં રોકાણકારોએ વધતાં કાર્યકારી ખર્ચ અને નબળી ટ્રેઝરી આવકોને ધ્યાનમાં રાખીને નફો દબાણ હેઠળ આવે તેવી ધારણા મૂકતા એચડીએફસી બૅન્ક અને એક્સિસ બૅન્ક સહિતની ખામગી બૅન્કોમાં વેચવાલી વધી હતી.
વધુમાં અમેરિકી ટેક્નોલૉજી અને સેમિક્નડક્ટર સ્ટોકમાં જોવા મળેલી નરમાઈને ધ્યાનમાં લેતા રોકાણકારોએ આઈટી શૅરોમાં નફો ગાંઠે બાંધતાં બૅન્ચમાર્કમાં ઘટાડાને વેગ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 41 શૅરના ભાવ ઘટીને અને નવ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, 25 શૅરના ભાવ ઘટીને અને એકમાત્ર મારુતિ સુઝુકી લિ.નાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સેન્સેક્સ હેઠળના શૅરો પૈકી સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 1.12 ટકાનો, અદાણી પોર્ટસમાં 1.07 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.61 ટકાનો અને ઈન્ડિગોમાં 0.24 ટકાનો સુધારો આવ્યો હતો.
જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં એક્સિસ બૅન્કમાં 3.85 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 2.82 ટકાનો, ઈન્ફોસિસમાં 2.72 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 2.54 ટકાનો, ટ્રેન્ટમાં 2.43 ટકાનો અને એનટીપીસીમાં 2.37 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.97 ટકાનો અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.53 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 2.42 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 1.51 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 1.38 ટકાનો, ઈન્સ્યોરન્સ ઈન્ડેક્સમાં 1.33 ટકાનો, કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.28 ટકાનો, ટોપ ટેન બૅન્ક ઈન્ડેક્સમાં 1.23 ટકાનો અને હોસ્પિટલ ઈન્ડેક્સમાં 1.22 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 2.60 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 1.08 ટકાનો મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 0.15 ટકાનો સુધારો આવ્યો હતો.
આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે જાપાનાના નિક્કી 225 ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલો હતા.
AI