Tue Oct 20 2026

Logo

સ્મોલ ગ્રેડની ખાંડમાં રૂ. આઠથી 30નો ઘટાડો

2026-10-17 19:36:00
Author: Ramesh Gohil
સ્મોલ ગ્રેડની ખાંડમાં રૂ. આઠથી 30નો ઘટાડો

સરકારે ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડનો વપરાશ અટકાવ્યો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈઃ મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગે્રડની ખાંડમાં સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલો ઉપરાંત અમુક માલની ગુણવત્તા નબળી આવી હોવાથી આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. આઠથી 30નો ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગે્રડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 50નો ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગે્રડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સ્થાનિકમાં ખાંડનો પુરવઠો વધારવા માટે ઈથેનોલના ઉત્પાદન માટે ખાંડ અને ખાંડના સિરપનો વપરાશ સ્થગિત કર્યો છે. તેમ જ ઈથેનોલના ઉત્પાદન માટે માત્ર અનાજ, મકાઈ અને બગડેલાં ખાદ્યાન્નનો જ ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલાંથી સ્થાનિક સ્તરે ખાંડનો પુરવઠો વધશે અને ભાવમાં સ્થિરતા આવે તેવું સરકારનું માનવું છે. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 27થી 28 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 30 અને ઉપલા મથાળેથી રૂ. આઠના ઘટાડા સાથે રૂ. 5192થી 5292માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 5342થી 5452ના મથાળે ટકેલા ધોરણે થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 50ના ઘટાડા સાથે રૂ. 5000થી 5050માં થયા હતા અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 5150થી 5250માં ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.