અમદાવાદ: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વિજયાદશમી મહોત્સવમાં સહભાગી થયા હતા. શહેરમાં દુરદર્શન ટાવર પાસે આવેલા એઈસી ગ્રાઉન્ડ (થલતેજ વિસ્તાર) ખાતે રાવણ દહનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૨ ફૂટ ઊંચા રાવણના પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. રાવણની સાથે સાથે 35 થી 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓનું પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહન કરવામાં આવ્યું હતું. તેમણે આધુનિક તકનીકથી રિમોટનું બટન દબાવીને મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું હતું.
અમદાવાદમાં પહેલી વખત આટલા મોટા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લગભગ એક અઠવાડિયાથી રાવણ દહનના કાર્યક્રમ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ માટે શહેરના તમામ ધારાસભ્યો અને નેતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના તમામ નાગરિકોને રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અમદાવાદના થલતેજ ખાતે શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'વિજયાદશમી મહોત્સવ ૨૦૨૬' અંતર્ગત ભવ્ય 'સનાતની ડાયરો' અને રાવણદહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને દશેરાની શુભકામના પાઠવી. આ પ્રસંગે લોકપ્રિય કલાકાર શ્રી સાંઈરામ દવે અને સાથી કલાકારોની પ્રસ્તુતિ દ્વારા સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરાનો સુંદર સંગમ જોવા મળ્યો. આયોજકોને આ સુંદર આયોજન બદલ અભિનંદન.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 20, 2026
રાવણ દહન ઉપરાંત શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી મહોત્સવ -2026 અંતર્ગત અમદાવાદમાં ડાયરો અને રાવણદહનના કાર્યક્રમ યોજાયો હતો. સાંઇરામ દવેની ટીમ દ્વારા ડાયરો પ્રસ્તુત કરાયો હતો.