કોટા: રાજસ્થાનના કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. જેમાં કોટરી નહેરમાં એક હોડી પલટી જતાં ચાર લોકો તણાઈ ગયા છે જ્યારે ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.
હોડીમાં સવાર લોકો પાણીમાં પડી ગયા હતા
આ અંગે મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે સાત લોકો એક નહેરમાં હોડીમાં સવાર હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હોડી પલટી જતાં તેમાં સવાર લોકો પાણીમાં પડી ગયા હતા. આસપાસના લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને ત્રણ વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા જ્યારે અન્ય ચાર લોકો તણાઇ ગયા હતા.
ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ
આ ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાઇવર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. હાલમાં એસડીઆરએફ ના 17 જવાનો સહિતની ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
તેમજ નહેરમાં આવતા પાણીના પ્રવાહને ઘટાડવા પાણીને પણ રોકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ શિક્ષણ મંત્રી મદન દિલાવરે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર અને એસપી પણ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.